તેજિન્દર સિંહ બગ્ગાને મોટી રાહતઃ5 જુલાઈ સુધી ધરપકડ પર રોક


પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી ભાજપના યુવા નેતા તેજિન્દર સિંહ બગ્ગાને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આજે તેજિન્દર બગ્ગા મામલે સુનાવણી કરતા 5 જુલાઈ સુધી તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. પંજાબ સરકાર તરફથી CCTV ફૂટેજ પ્રિઝર્વ કરવાની માંગ કરવામાં આવી છે. હરિયાણા સરકારે પીપળી પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કોર્ટને સોંપ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 5 જુલાઈએ થશે.
આ પહેલા, પંજાબ અને હરિયાણાની ઉચ્ચ અદાલતે શનિવારની રાત્રે નિર્દેશ આપ્યો હતો કે, તેજિન્દર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ કોઈ દંડાત્મક પગલા ન લેવામાં આવે. દિલ્લી ભાજપના નેતાએ મોહાલીની એક અદાલત દ્વારા દિવસે જાહેર કરાયેલા ધરપકડના વોરન્ટ પર રોક લગાવવાની માગને લઈ ઉચ્ચ અદાલતમાં અરજી કરી હતી.
પંજાબ પોલીસ દ્વારા ગયા મહિને તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા એક ગુનામાં મોહાલીની અદાલત દ્વારા ધરપકડનો વોરન્ટ જાહેર કર્યાના કેટલાક કલાકો બાદ બગ્ગાએ તેને કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે ન્યાયમૂર્તિ અનૂપ ચિતકારાએ તેમના નિવાસસ્થાને મધરાત પહેલા તાત્કાલિક ધોરણે બગ્ગાની અરજી પર સુનાવણી કરી હતી. બગ્ગાના વકીલ ચેતન મિત્તલે હાઈકોર્ટના આદેશ પર કહ્યું, ’10મે સુધી કોઈ દંડાત્મક પગલા નહીં લેવાય’.
બગ્ગા વિરુદ્ધ શું છે ગુનો ?
પંજાબ પોલીસે તેજિન્દર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવા, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ધમકી આપવાના આરોપનો ગુનો દાખલ કર્યો હતો. મોહાલીના રહેવાસી આમ આદમી પાર્ટીના નેતા સની અહલૂવાલિયાની અરજી પર આ ગુનો નોંધવામાં આવ્યો હતો. પહેલી એપ્રિલે નોંધાયેલ પ્રાથમિક અરજીમાં 30 માર્ચની બગ્ગાની ટિપ્પણીનો ઉલ્લેખ છે, જે તેમણે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન બહાર ભાજપ યુવા મોરચાના વિરોધ પ્રદર્શન દરમિયાન ટિપ્પણી કર્યાનો આરોપ લગાવાયો હતો.
બગ્ગા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાના કલમ 153-એ. 505 અને 506 અંતર્ગત ગુનો નોંધાયો હતો..પંજાબ પોલીસે બગ્ગાની શુક્રવારે દિલ્લી સ્થિતિ તેના ઘરેથી ધરપકડ કરી હતી. જો કે, બગ્ગાને પંજાબ લઈ જઈ રહેલા પોલીસ કર્મીઓને હરિયાણામાં રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ, દિલ્લી પોલીસ તેમને પરત દિલ્લી લઈ આવી હતી.