ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ગામ અને શહેરોમાં આજે ઘેર ઘેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

Text To Speech
  • રાત્રિએ 12 વાગ્યે કાનુડો પારણે ઝુલશે
  • સોસાયટી અને ફ્લેટમાં સામુહિક રીતે કૃષ્ણ જન્મોત્સવ
  • મંગળાઆરતીથી લઇને રાત્રિએ કૃષ્ણ દર્શન સહિતના અનેક કાર્યક્રમો

ગુજરાતના ગામ અને શહેરોમાં આજે ઘેર ઘેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. જેમાં જન્માષ્ટમીની ઉજવણી માટે લોકોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. ગામો તથા શહેરોમાં વિવિધ ફળિયા મહોલ્લા અને સોસાયટીઓમાં મટકીફોડના કાર્યક્રમ યોજાશે. રાત્રે કૃષ્ણ ભગવાનને પારણે ઝૂલાવાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘસવારી આવી, જાણો કયા શહેરોમાં પડશે ભારે વરસાદ 

મંગળાઆરતીથી લઇને રાત્રિએ કૃષ્ણ દર્શન સહિતના અનેક કાર્યક્રમો

બાળગોપાલ, દેવકીનંદન, દ્વારકાધીશ, ગોપાલ, કાનુડો, રણછોડ સહિતના અનેક નામો સાથે ભક્તોના દિલમાં વસી ગયેલા ભગવાન કૃષ્ણના જન્મોત્સવની આજે રંગારંગ ઉજવણી થઇ રહી છે. શાળા અને કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં બુધવારે પ્રિ-સેલિબ્રેશનના ભાગરૂપે મટકીફોડ, મટકી ડેકોરેશન, ડ્રેસ કોમ્પિટીશન સહિતના આયોજનો કરાયા હતા. જ્યારે શહેરભરમાં અને ખાસ કરીને મંદિરોમાં આજે જન્માષ્ટમીની રોનક દેખાઇ રહી છે. અમદાવાદ શહેરની વૈષ્ણવ સંપ્રદાયની હવેલી, મંદિરોમાં મંગળાઆરતીથી લઇને રાત્રિએ કૃષ્ણ દર્શન સહિતના અનેક કાર્યક્રમોની વણઝાર સર્જાશે.

સોસાયટી અને ફ્લેટમાં સામુહિક રીતે કૃષ્ણ જન્મોત્સવ

રાત્રે મોટાભાગની સોસાયટી અને ફ્લેટમાં સામુહિક રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. પારણામાં કૃષ્ણ ભગવાનને ઝુલાવવામાં આવશે. પંજરીનો પ્રસાદ વિતરણ થશે. ઉપરાંત મટકીફોડ સ્પર્ધા પણ યોજાનાર છે. 30 થી માંડીને 90 ફૂટ ઉંચાઈ પર મટકીફોડન કાર્યક્રમ યોજાશે. જ્યારે સોસાયટીઓમાં સલામતિને ધ્યાનમાં રાખતા 15થી 20 ફૂટની ઉંચાઈ રાખવામાં આવશે.

રાત્રિએ 12 વાગ્યે કાનુડો પારણે ઝુલશે

ચાલુ વર્ષે જન્માષ્ટમીએ તિથીના વિચિત્ર સંયોગને કારણે ઉજવણીને લઇને ગડમથલ જોવા મળી હતી. જેમાં બુધવારે સ્માર્ત સમુદાયની જન્માષ્ટમી ઉજવ્યા બાદ હવે ગુરુવારે આજે વૈષ્ણવોની જન્માષ્ટમી રંગારંગ, ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવાશે. ગુરુવારે સાંજે 4.15 વાગ્યા સુધી આઠમ અને સવારે 10.25 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર, રાત્રિએ 10.01 વાગ્યા સુધી વ્રજ યોગ સાથે જન્માષ્ટમી ઉજવાશે. રાત્રિએ 12 વાગ્યે કાનુડો પારણે ઝુલશે ત્યારે નોમની તિથી અને મૃગશીર્ષ નક્ષત્ર રહેશે.

Back to top button