રાજકોટમાં વધુ એક યુવાનનો હાર્ટ એટેકે લીધો ભોગ


- 25 વર્ષના સીએ યુવાનનું હૃદય બેસી જતા મોત
- યુવકને નવેમ્બર માસમાં પરીક્ષા હોય વાંચતી વખતે ઢળી પડ્યો હતો
- સિવિલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો
રાજકોટ સહિત રાજ્યભરમાં યુવાનોમાં વધતા-જતાં હૃદયરોગના હુમલાના કારણે ચિંતાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના સીએના વિદ્યાર્થીનું વાંચતી વખતે અચાનક ઢળી પડતા મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં તેનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યો
મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયા રોડ ઉપર બાપા સીતારામ ચોક નજીક આવેલ આર્ય એવન્યુમાં રહેતા ધૈવત રમેશભાઈ પંડ્યા નામનો 25 વર્ષનો યુવાન સવારના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
સીએ ફાઇનલમાં કરતો હતો અભ્યાસ
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધૈવત પંડ્યા બે ભાઈમાં નાનો અને સીએ ફાઈનલમાં અભ્યાસ કરતો હતો. આગામી નવેમ્બર માસમાં પરીક્ષા આવતી હોવાથી ધૈવત પંડ્યા પોતાના રૂૂમમાં વાંચતો હતો તે દરમિયાન તેને એટેક આવી જતા મોત નીપજ્યું હતું અને બાદમાં પરિવાર ઉઠાડવા જતા ધૈવત પંડ્યા બેભાન હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.