વર્લ્ડ

નેપાળ સરકાર પર ભયના વાદળો છવાયા, વડાપ્રધાન પ્રચંડે પ્રથમ વિદેશ પ્રવાસ રદ કર્યો

નેપાળમાં માત્ર બે મહિના પહેલા સત્તા સંભાળનાર પ્રચંડ સરકાર મુશ્કેલીમાં છે. કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં સરકારના મહત્વપૂર્ણ ભાગીદાર CPN-UMLએ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. સીપીએન-યુએમએલના ઉપાધ્યક્ષ બિષ્ણુ પૌડેલે આ માહિતી આપી છે. સોમવારે સવારે પાર્ટીની બેઠક મળી હતી, જેમાં સરકારને સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સહયોગી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના ચાર પ્રધાનોના રાજીનામા

નેપાળના વડાપ્રધાન પુષ્પા કુમાર દહલ પ્રચંડે સરકાર પર મંડરાઈ રહેલા ખતરાને જોતા પોતાનો પ્રથમ વિદેશ પ્રવાસ રદ્દ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન પ્રચંડ પોતાના પહેલા વિદેશ પ્રવાસ પર કતાર જવાના હતા પરંતુ હવે સમાચાર આવ્યા છે કે તેમણે પોતાનો કતાર પ્રવાસ રદ્દ કરી દીધો છે. તાજેતરમાં, તેમની સરકારના સહયોગી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના ચાર પ્રધાનોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું અને સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. આ પહેલા નેપાળની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ પણ પ્રચંડ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.

નેપાળમાં 9 માર્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી

પ્રચંડ પાંચમી અલ્પ વિકસિત દેશોની પરિષદમાં ભાગ લેવા માટે 3 માર્ચે કતાર જવાના હતા. હવે વડાપ્રધાનના મીડિયા સંયોજક સૂર્ય કિરણ શર્માએ જણાવ્યું છે કે મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિઓને કારણે તેમણે કતારની મુલાકાત રદ કરી છે. નેપાળમાં 9 માર્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ભૂતકાળમાં વડા પ્રધાન પ્રચંડે ગઠબંધનના ઉમેદવારને ટેકો આપવાને બદલે નેપાળી કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. પ્રચંડની આ જાહેરાત બાદથી તેમની સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

ક્યાં પક્ષમાંથી કોણ ઉમેદવાર ?

સીપીએન-માઓવાદી, લોકતાંત્રિક સમાજવાદી પાર્ટીના પ્રમુખ મહંત ઠાકુર, કોંગ્રેસના ઉપાધ્યક્ષ પૂર્ણ બહાદુર ખડકા, નાગરિક ઉન્મુક્તી પાર્ટીના અધ્યક્ષ રંજીતા શ્રેષ્ઠા, રાષ્ટ્રીય જન મોરચાના અધ્યક્ષ ચિત્રા બહાદુર કેસી અને માઓવાદી નેતા હિતરાજ પાંડે સહિત આઠ રાજકીય પક્ષો નેપાળી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી રહ્યા છે. ઓલીએ રાષ્ટ્રપતિ પદ માટે સુબાસ નેમ્બાંગના નામની જાહેરાત કરી હતી પરંતુ પ્રચંડ નેમ્બાંગને બદલે તેમણે નેપાળી કોંગ્રેસના ઉમેદવાર રામચંદ્ર પૌડ્યાલને સમર્થન આપ્યું હતું.

Back to top button