ડીસાના થેરવાડા-તાલેપુરા રોડ પર લોકોએ કર્યો ચક્કાજામ


પાલનપુર: ડીસા તાલુકાના થેરવાડા ગામે વારંવાર રેતી ભરેલા ટ્રકોના કારણે સર્જાતા અકસ્માતનોને લઈને મંગળવારે સ્થાનિક લોકોએ રોડ પર ટ્રકને અટકાવી કર્યુ હતું. જેના પગલે વાહનોની કતાર લાગી ગઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં રેતી ભરીને બેફામ ચાલતા ટ્રકચાલકો ના કારણે અનેક વાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રેતી ભરીને ચાલતાં ટ્રક ચાલકો સામે ગામના સ્થાનિક લોકો દ્વારા આ બેફામ રેતી ભરીને ચાલતા ટ્રકચાલકો વિરુદ્ધ અનેકવાર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પણ થઈ છે પરંતુ આજદિન સુધી કોઇ જ કાર્યવાહી ન કરાતા રેતી ભરીને બેફામ ચાલતા ટ્રકચાલકો વારે ઘડીએ અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે મંગળવારે ડીસા તાલુકાના થેરવાડા -તાલેપુરા રોડ પર એક રેતી ભરીને ચાલતા ટ્રક ચાલકે તાલેપુરા થી ડીસા તરફ આવી રહેલા કાર ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બેફામ ચાલતા ટ્રક ચાલકોથી કંટાળેલા લોકોએ રોડ પર ચક્કાજામ કર્યા હતા. બેફામ બનેલા ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર માંગ કરાઈ હતી. દરમિયાન રોષે ભરાયેલા લોકો દ્વારા રેતી ભરેલા ટ્રકની ટાયરની હવા પણ નીકાળી દેવામાં આવી હતી. વહેલી સવારથી જ થેરવાડા તાલેપુરા રોડ પર સ્થાનિક લોકો દ્વારા ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવા માટે ભારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ તમામ સ્થાનિક લોકોને સમજાવી બેફામ ચાલતા ટ્રકચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું જણાવતા સ્થાનિક લોકોએ ચક્કાજામ દૂર કર્યો હતો. જે બાદ પોલીસે રેતી ભરેલા ટ્રકને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.