

- કુલ ખરીફ પાકોનું વાવેતર 69.10 લાખ હેકટરમાં થયું
- ગત વર્ષે 64.43 લાખ હેકટર થયું હતું
- એરંડાના વાવેતરમાં અધધધ 91 ટકાનો ઉછાળો
ગુજરાતમાં ખરીફ પાકોના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ સાત ટકાનો વધારો થયો છે. પરંતુ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં અનેક પાકોનું ધોવાણ થયું હોવાના અહેવાલો પણ ખેડૂતો-વેપારી વર્ગમાંથી મળી રહ્યા છે. ખાસ કરીને તલ જેવા અતિ સંવેદનશીલ પાક કે વધારે પાણી ખસી ન શકતા પાકને વધારે અસર થયેલ છે.
એરંડાના બજારમાં ઉંચા ભાવ
કેટલાક વિસ્તારમાં મગફળી કપાસના વાવેતર પણ નિષ્ફળ ગયા છે. ત્યારે હવે ખેડુતો એરંડા, કઠોળ કે ગવાર જેવા પાકોનું વાવેતર કરશે. એરંડાના ભાવ ઉંચા હોવાથી તેના વાવેતરમાં આ વર્ષે પહેલાથી જ વધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર 24 જુલાઈ સુધીમાં કુલ ખરીફ પાકોનું વાવેતર 69.10 લાખ હેકટરમાં થયું છે. ગત વર્ષે 64.43 લાખ હેકટર થયું હતું. આમ વાવેતરમાં 7.16 ટકાનો વધારો થયો છે.
મગફળીના વાવેતરમાં ઘટાડો નોંધાયો
કપાસનું ગુજરાતમાં વાવેતર સાત ટકા વધ્યું છે. જયારે મગફળીમાં એકાદ ટકાનો ઘટાડો થયો છે. તલના વાવેતરમાં 30 ટકા વધારો થયો છે. સોયાબીનના વાવેતરમાં આ વર્ષે 26 ટકાનો વધારો થયો છે. સોયાબીનમાં પણ આ વર્ષે મોટો વાવેતર વિસ્તાર હાંસલ કર્યો છે. જયારે કઠોળના પાકોના વાવેતરમાં ઘટાડો થશે.