બનાસકાંઠામાં આગામી બે દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી


વડગામ,પાલનપુરમાં ભારે પવનથી વૃક્ષ ,વિજપોલ તૂટી પડ્યા
દાંતામાં ત્રણ, વડગામ ,સુઇગામમાં દોઢ, પાલનપુર-ડીસામાં 1 ઇંચ વરસાદ
પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. જ્યારે એનડીઆરએફ ની 24 જવાનોની એક ટીમને પુર જેવી અસાધારણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે પહેલેથી જ પાલનપુરમાં મૂકી દેવાઈ છે. જેમાં મંગળવારે રાત્રે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જોકે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક વૃક્ષ ધરશાઈ થયું હતું.જોકે કોઈ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું નથી. જ્યારે દાંતાથી અંબાજી માર્ગ ઉપર પર્વત ના પથ્થરો તૂટીને માર્ગ ઉપર પડ્યા હતા. તેમજ ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા અને જાવલ ગામમાં રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું.સતત કલાકો સુધી પડેલા વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક જગ્યા પર વૃક્ષો ધરશાઈ થયા હતા.જેના કારણે ક્યાંક ને ક્યાંક નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.છેલ્લા 4 દિવસથી જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.આ વર્ષે સારો વરસાદ થાય અને પાણીના તળ ઉંચા આવે તેવી પણ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
કલેકટનો હેડકવાટર્સ ન છોડવા આદેશ
બનાસકાંઠામાં આગામી બે દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું હેડ કવાટર્સ ન છોડવા આદેશ કરાયો છે. જેમાં એનડીઆરએફની એક ટિમ પાલનપુરમાં જ્યારે ડાંગીયા મડાણાં ખાતે એસડીઆરએફની એક ટિમ એલર્ટ પર રાખવામાં આવી આવી છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
ક્યાં કેટલો વરસાદ (મિમિમાં)
સ્થળ મંગળવારે મોસમનોકુલ
અમીરગઢ 10 155
કાંકરેજ 13 122
ડીસા 25 154
થરાદ 12 77
દાંતા 72 214
દાંતીવાડા 16 96
દિયોદર 10 254
ધાનેરા 04 45
પાલનપુર 24 101
ભાભર 08 94
લાખણી 20 62
વડગામ 40 207
વાવ 09 92
સુઇગામ 36 190