

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ પોલીસ કમિશનરના નામને લઈને ઘણા નામની ચર્ચા થઈ હતી ત્યારે આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે રાજૂ ભાર્ગવના નામને મહોર વાગી ગઈ છે. આ પહેલા રાજકોટનાં પોલીસ કમિશ્નર તરીકે IPS મનોજ અગ્રવાલ કાર્યરત હતા. જો કે તેમના કાર્યકાળમાં રાજકોટ પોલીસની છબી ખરડાઈ હતી. અને તોડકાંડ સહિતના આક્ષેપો થતા તેમની જૂનાગઢ બદલી થયા બાદ છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે ખુરશીદ અહેમદ ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે હવે રાજુ ભાર્ગવની નિમણુંક થતા રાજકોટ શહેરને કાયમી પોલીસ કમિશ્નર મળ્યા છે.
ગુજરાત કેડરના 1995 બેંચના સીનિયર આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ કેન્દ્રમાંથી પ્રતિનિયુક્તી પરથી પરત આવી ગયા છે. તે વર્ષ 2013માં કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર ગયા હતા અને CRPFમાં પહેલા ડીઆઇજી અને ત્યારબાદ આઇજી તરીકે પ્રમોશન મેળવ્યુ હતું. તેઓ નક્સલ પ્રભાવિત છત્તીસગઢમાં સીઆરપીએફના કોબ્રા કમાન્ડોના વડા પણ હતા અને છત્તીસગઢમાં ત્રણ ઓપરેશન પણ હાથ ધર્યા હતા, તેમની પ્રતિનિયુક્તી ગયા જૂન મહિનામાં પુરી થતી હતી પરંતુ તેમણે વધુ ત્રણ મહિના માટે CRPFમાં રાખવામાં આવ્યા હતા.
રાજકોટના તત્કાલીન શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્યના તોડબાજી કાંડના આરોપ લગાવ્યા હતા. ત્યારે 26 દિવસ બાદ તત્કાલીન સીપી મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. રાજકોટ સીપી મનોજ અગ્રવાલની જૂનાગઢ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાની પરવાનગી વગર જૂનાગઢ છોડી શકાશે નહીં. ઉપરાંત અપ્રમાણસર મિલકતની તપાસ થશે. અગ્રવાલ સાથે કમિશનકાંડમાં સંકળાયેલા અન્ય ઇન્સ્પેક્ટર સબ-ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડરોએ જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા 75 લાખની તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાધ ધરાઈ હતી. આ સમય દરમિયાન ગાંધીનગર સીઆઈડીની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ધામા નાંખીને તપાસ હાથ ધરી હતી.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસના અંગે 200 પાનાંનો રિપોર્ટ ગૃહ વિભાગને આજે સાંજે સોંપ્યો હતો. તપાસ કમિટીના રિપોર્ટ મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. તોડકાંડ મામલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની 10 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ કરાઈ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરાઈ હતી.