LCBની ટીમે ગાંધીનગરના અડાલજ ખાતેથી લાખોની કિંમતનો દારૂ પકડી પાડ્યો, મતદાન પહેલાં જ 500 પેટી દારુ ઝડપાયો


ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત તેમજ ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા લીસ્ટેડ બુટલેગર તેમજ અન્ય ગુનાહિત પ્રવૃતિઓ કરનાર પર હાલ પોલીસની બાજ નજર છે. ત્યારે ગાંધીનગર LCBની ટીમે પૂર્વ બાતમીના આધારે અડાલજના વૈભવી બંગલામાં દરોડો પાડીને વિપુલ માત્રામાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો ઝડપી પાડ્યો છે.
DIG અભય ચુડાસમાની સુચના મુજબ પોલીસ અધિકારી તરુણ દુગ્ગલને દરોડા પાડવાની જરૂરી સુચના કરી હતી. જે અંતર્ગ એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડીબી વાળાની સુચનાના આધારે LCBની મહિલા ટીમે અડાલજ સુદર્શન સોસાયટીની પાછળ આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ગેરકાયદે ભારતીય બનાવટની વિદેશી દારુની 23,712 બોટલ જે 20,15,520નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ ઉપરાંત વિશાલ પટેલ તથા સિદ્ધાર્થ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ અંગે LCBનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બંગલો વિશાલ પ્રમોદભાઈ પટેલનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધાર્થ સુરેશભાઈ પટેલની પણ સંડોવણી બહાર આવી છે. જેને અડાલજ ખાતે અંબિકા ટાયરની દુકાન હોવાની વિગતો મળી છે. બંને આરોપીઓ વોન્ટેડ છે. ત્યારે સિદ્ધાર્થ એક રાજકીય પાર્ટીના ઉમેદવાર સાથે સારો એવો ઘરોબો ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.