T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

T20 World Cup Playoffs : જાણો કઈ 2 ટીમ છે ફાઈનલ માટે પ્રબળ દાવેદાર !  

T20 વર્લ્ડ કપને તેનાં સેમિફાઈનલિસ્ટ મળી ગયાં છે. ભારત સહિત ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ અંતિમ ચારમાં પહોંચી ગઈ છે. હવે આ 4 ટીમોમાંથી કઈ ટીમ વિશ્વવિજેતા કહેવાશે તેનો નિર્ણય આગામી રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થશે. પરંતુ ફાઈનલ જીતવા માટે કઈ ટીમને પ્રબળ દાવેદાર ગણી શકાય ? તે નક્કી કરવું દરેક ક્રિકેટ ફેન માટે મુશ્કેલ છે.

સેમિફાઈનલની વાત કરીએ તો આગામી 9 નવેમ્બરે પહેલી સેમિફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે અને આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે 10 નવેમ્બરે બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો એડિલેડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇંગ્લેન્ડ સામે થશે. આ તમામ મેચો નોકઆઉટ હશે એટલે કે જે ટીમ કોઈ પણ મેચ હારશે તો તે સીધી ટુર્નામેન્ટની બહાર થઈ જશે. તેથી આ નોકઆઉટ મેચોમાં ભારત અને પાકિસ્તાનનું પલડું થોડુ ભારે લાગી રહ્યું છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલની જંગ થશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

 

PAK vs NZ - Hum Dekhenge News
PAK vs NZ

પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર

પાકિસ્તાન સતત બીજી વખત અને એકંદરે છઠ્ઠી વખત ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમ સતત ત્રીજી વખત અને એકંદરે ચોથી વખત સેમીફાઈનલમાં પહોંચી છે. આ બંને ટીમો T20 ઈન્ટરનેશનલ મેચોમાં 28 વખત આમને સામને ટકરાઈ છે, જેમાં પાકિસ્તાન 17 વખત જીત્યું છે અને ન્યૂઝીલેન્ડે 11 વખત જીત્યું છે.

T20 વર્લ્ડ કપની વાત કરીએ તો પાકિસ્તાન-ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધીમાં 6 વખત ટકરાયા છે. જેમાં પાકિસ્તાને 4માં અને ન્યૂઝીલેન્ડે 2માં જીત મેળવી છે. વર્ષ 2007ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પણ પાકિસ્તાનનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થયો હતો, જેમાં પાકિસ્તાન જીત્યું હતું. તેથી આ વર્ષે પણ પાકિસ્તાનને ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.

IND vs ENG - Hum Dekhenge News
IND vs ENG

ઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાનો દબદબો

T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ અત્યાર સુધી 3 વખત ટકરાયા છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 2 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડ 1 મેચ જીત્યું છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો 2007ના વર્લ્ડ કપમાં થયો હતો. આ મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી અને ભારત 18 રને જીત્યું હતું.

ત્યારબાદ વર્ષ 2009 નાં T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને 3 રને હરાવ્યું હતું અને વર્ષ 2012નાં  T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 90 રને એકતરફી જીત મેળવી હતી. તેથી ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. જો કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપમાં કોઈપણ નોકઆઉટ મેચમાં મેચ રમાઈ નથી. તેથી આ નોકઆઉટ મેચમાં ભારતને જીત માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે.

Back to top button