T20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત:નામિબિયાએ એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું
T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે અને વર્લ્ડ કપની પહેલી જ મેચ જ કોઈએ ધારી ન હતી એવી રહી છે. રવિવારે રમાયેલી ક્વોલિફાઈંગ મેચમાં નામિબિયાએ શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમને 55 રને પરાજય આપ્યો હતો. નામિબિયાએ પહેલા બેટિંગ કરી શ્રીલંકાને 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો, સામે શ્રીલંકાની આખી ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નામિબિયાના ઓલરાઉન્ડરોએ મેચનો પાસા ફેરવી નાખ્યો, જેમાં જેન ફ્રાયલિંક અને જેજે સ્મિતે 69 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સિવાય બંનેએ મળીને શ્રીલંકાની ત્રણ મહત્વની વિકેટો પણ લીધી હતી.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે ? જાણો શું છે કારણ ?
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 163 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતવા માટે શ્રીલંકાને 164 રન બનાવવાના હતા, પરંતુ એશિયા કપ ચેમ્પિયન અહીં નિષ્ફળ સાબિત થયું અને 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું. આખરે, નામિબિયાએ આ મેચ 55 રનથી જીતી લીધી અને એશિયા કપ ચેમ્પિયન ટીમ શ્રીલંકાને હરાવ્યું હતું.
જીતનો હીરો રહ્યો જેન ફ્રાયલિંક
નામિબિયાની આ જીતનો હીરો જેન ફ્રાયલિંક હતો. તેણે બેટ અને બોલ બંને વડે સારું પ્રદર્શન કર્યું હતું. 28 વર્ષીય ફ્રાયલિંકે પહેલા 44 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રીલંકાની બે વિકેટ પણ લીધી હતી. આ સિવાય નામિબિયાનાં બોલર ડેવિડ વિઝ, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ અને બેન શિકોન્ગોને પણ બે-બે વિકેટ મળી હતી. મેચનાં અંતે ફ્રાયલિંકને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
શ્રીલંકાની ઇનિંગ્સ આ રીતે રહી નિષ્ફળ
શ્રીલંકાની શરૂઆત નામિબિયા જેટલી જ ખરાબ રહી હતી, જ્યાં શ્રીલંકાએ માત્ર ચાર ઓવરમાં 21 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકા મેચમાં ક્યારેય પુનરાગમન કરી શકી ન હતી અને તેના માત્ર 4 બેટ્સમેન જ ડબલ ફિગર પાર કરી શક્યા હતા. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન સનાકાએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા.
નામિબિયાની શરૂઆત વધુ સારી નહોતી
નામિબિયા માટે આ મેચમાં શરૂઆત વધુ સારી નહોતી રહી, ટીમે 35ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મધ્યમાં નાની ભાગીદારી થઈ અને નામિબિયાએ ગતિ પકડી. પરંતુ ટીમ માટે વાસ્તવિક અજાયબીઓ જેન ફ્રાયલિંક અને જે.જે. સ્મિતે કર્યું. જેણે અનુક્રમે 44 અને 31 રન બનાવ્યા હતા. બંને વચ્ચે માત્ર 33 બોલમાં 69 રનની ભાગીદારી થઈ હતી અને તેના આધારે નામિબિયાનો સ્કોર 163 રન સુધી પહોંચ્યો હતો. શ્રીલંકા તરફથી આ મેચમાં મધુસને 2 વિકેટ ઝડપી હતી, બાકીના બોલરોને એક-એક વિકેટ મળી હતી.