સ્પોર્ટસ

T20 World Cup: ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 20 રને હરાવ્યું, ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો

ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ 2022માં ન્યુઝીલેન્ડને હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. ગાબા ખાતે રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 20 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગ્લેન ફિલિપ્સની શાનદાર અડધી સદી છતાં ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 159 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા માટે સેમીફાઈનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. કારણ કે હવે તેણે અફઘાનિસ્તાન સામેની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.

જો ન્યુઝીલેન્ડની ટીમે 180 રન બનાવ્યા હોત, તો તે T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ હોત. ગ્લેન ફિલિપ્સે અડધી સદી રમીને ન્યૂઝીલેન્ડને લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું હતું પરંતુ તેને કેપ્ટન કેન વિલિયમસન સિવાય કોઈનો સાથ મળ્યો નહોતો. ફિલિપ્સે 36 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા અને 18મી ઓવરમાં તે આઉટ થતાં જ કિવિઓની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમને બીજી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. ડેવોન કોનવે 9 બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ફિન એલન 11 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગ્લેન ફિલિપ્સ અને કેન વિલિયમસન વચ્ચે ત્રીજી વિકેટ માટે 70થી વધુ રનની ભાગીદારી થઈ હતી. કેન વિલિયમસન 40 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. જેમ્સ નીશમ 3 બોલમાં 6 રન બનાવી શક્યો હતો.

આ પહેલા કેપ્ટન બટલરે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને હેલ્સ સાથે મળીને ઈંગ્લેન્ડને શાનદાર શરૂઆત અપાવી. બટલર-હેલ્સે પ્રથમ વિકેટ માટે 10 ઓવરમાં 81 રન ઉમેરીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. હેલ્સે 40 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. તેની વિકેટ પડ્યા બાદ બટલરે પણ હાથ ખોલીને પોતાની અડધી સદી પૂરી કરી, તેણે 47 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા.

ઈંગ્લેન્ડે 17 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા, પરંતુ ન્યૂઝીલેન્ડે છેલ્લી ત્રણ ઓવરમાં ચાર વિકેટ લઈને રનરેટ પર લગામ લગાવી હતી. લોકી ફર્ગ્યુસને લિયામ લિવિંગ્સ્ટન (20) અને બેન સ્ટોક્સ (08)ને આઉટ કર્યા, જ્યારે ટિમ સાઉથીએ હેરી બ્રુકને સાત રન પર મોકલ્યા. સેમ કુરેને છેલ્લી ઓવરમાં સિક્સ ફટકારીને પોતાની ટીમને 179/6ના સ્કોર સુધી પહોંચાડી હતી. ઈંગ્લેન્ડ ચાર મેચમાં પાંચ પોઈન્ટ સાથે તેના ગ્રુપમાં બીજા ક્રમે છે.

ઓસ્ટ્રેલિયા (-0.30) પાસે પણ ચાર મેચમાંથી પાંચ પોઈન્ટ છે, પરંતુ નબળા રન રેટને કારણે તે ત્રીજા સ્થાને છે. પાંચ પોઈન્ટ સાથે ટોપ પર રહેલી ન્યુઝીલેન્ડ (2.23) પાસે આ મેચ જીત્યા બાદ સેમીફાઈનલમાં જવાની તક હતી, પરંતુ આ હાર સાથે તેનો રન રેટ મોટાભાગે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયો છે. ત્રણેય ટીમોએ હજુ સુપર-12ની એક મેચ રમવાની છે.

આ પણ વાંચો : T20 WC 2022: અફઘાનિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું, શ્રીલંકાએ 6 વિકેટે હરાવ્યું

Back to top button