T20 વર્લ્ડ કપ 2024 : પાકિસ્તાને જીત્યો ટોસ, ભારત કરશે પ્રથમ બેટીંગ
ન્યુયોર્ક, 9 જૂન : T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. ગ્રુપ-A અંતર્ગત આ મેચ ન્યૂયોર્કમાં રમાઈ રહી છે. મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ પહેલા ન્યૂયોર્કમાં ભારે વરસાદને કારણે મેચ અડધો કલાક મોડી પડી હતી.
Accuweather મુજબ, આજે ન્યુયોર્કમાં વરસાદની 42% શક્યતા છે. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો બંને ટીમોને એક-એક પોઇન્ટ મળશે. ઉલ્લેખનીય છે કે ICCએ ગ્રુપ મેચો માટે રિઝર્વ ડે કે વધારાના સમયની કોઈ જોગવાઈ નથી કરી.
આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોની આ બીજી મેચ છે. અગાઉ આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને અમેરિકા જેવી નવી ટીમે કારમી હાર આપી હતી. ત્યારથી બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાની ટીમની ભારે ટીકા થઈ રહી છે. જ્યારે બીજી તરફ ભારતે તેની પ્રથમ મેચ જીતી લીધી છે.
પાકિસ્તાન અમેરિકા જેવી નબળી ટીમ સામે હારી ગયું છે
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તાજેતરમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં ભારતની આ પ્રથમ મેચ હતી, જે તેણે 46 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. હવે સુકાની રોહિતે પાકિસ્તાન સામેની આ મેચમાં પણ એ જ મેચ વિનિંગ ટીમને મેદાનમાં ઉતારી છે.
બીજી તરફ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ઇમાદ વસીમને તેના પ્લેઇંગ-11માં એન્ટ્રી આપી છે. જ્યારે આઝમ ખાનને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને અમેરિકાએ હરાવ્યું હતું. ઈજાના કારણે ઈમાદ તે મેચમાં રમી શક્યો ન હતો.
આ મેચમાં ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન ટીમઃ મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ આમિર અને હરિસ રઉફ.