ટી-20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, આયર્લેન્ડની રોમાંચક જીત
ટી-20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ઈંગ્લિશ ટીમને વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. ઇંગ્લેન્ડની ટીમને આયર્લેન્ડના હાથે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં વરસાદને કારણે ખલેલ પડી હતી. આ મેચમાં આયર્લેન્ડને રોમાંચક જીત મળી હતી, કારણ કે ડકવર્થ-લુઈસ નિયમ અમલમાં આવ્યો હતો અને ઈંગ્લેન્ડ 5 રનથી પાછળ હતું.
આ મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં, આયરલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા સારી શરૂઆત કરી અને 10 ઓવરમાં 100 રનની આસપાસનો સ્કોર બનાવ્યો. જોકે, ઈંગ્લેન્ડે સારી બોલિંગ કરી અને ટીમ 19.2 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આયર્લેન્ડ તરફથી કેપ્ટન એન્ડી બલબિર્નીએ 62 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડ અને લિયામ લિવિંગસ્ટોને 3-3 જ્યારે સેમ કુરનને 2 વિકેટ મળી હતી. 158 રનના ટાર્ગેટનો પીછો કરવા ઈંગ્લેન્ડની ટીમ ઉતરી ત્યારે ટીમને સારી શરૂઆત મળી ન હતી. ટીમે પણ 14.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 105 રન બનાવી લીધા હતા અને મેચ જીતી શકી હોત, પરંતુ તે પછી વરસાદે મેચની મજા બગાડી નાખી અને મેચ શરૂ થઈ શકી નહીં.
વરસાદ આવ્યો ત્યારે ઈંગ્લેન્ડની ટીમ ડકવર્થ લુઈસની પદ્ધતિ પ્રમાણે 5 રન પાછળ હતી. આ જ કારણ હતું કે આયર્લેન્ડને જીત મળી હતી. ઈંગ્લેન્ડની ટીમ હવે ગ્રુપ 1ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે જ્યારે આયર્લેન્ડ માટે આ જીત રાહતરૂપ હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ માલાને 35 રન બનાવ્યા હતા જ્યારે મોઈન અલીએ 12 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : T20 WCની બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ રદ્દ