T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 WC 2024 : વનડે WC ની હારનો બદલો લેતું અફઘાન, AUS ને 21 રને હરાવ્યું

Text To Speech
  • 149 રનના નજીવા ટાર્ગેટ સામે કાંગારૂઓ પાણીમાં બેસી ગયા
  • AUS 127 રનમાં જ ઓલ આઉટ થયું
  • કમિન્સની સતત બીજી હેટ્રીક પણ કારગત ન નીવડી

કિંગ્સટાઉન, 23 જૂન : T20 વર્લ્ડ કપમાં સુપર 8 માટેની લડાઈ ચાલુ છે. 23 જૂને ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડ પર મેચ રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાને ઐતિહાસિક પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 149 રન બનાવવાના હતા, પરંતુ તે માત્ર 127 રન સુધી જ સીમિત રહી ગયું હતું. અફઘાનિસ્તાનની જીતનો હીરો ગુલબદ્દીન નાયબ હતો જેણે ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. આ સાથે અફઘાનિસ્તાને ગયા વર્ષના વનડે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ ગ્લેન મેક્સવેલે ઐતિહાસિક બેવડી સદી ફટકારીને અફઘાનિસ્તાન પાસેથી મેચ છીનવી લીધી હતી. હવે આ મેચમાં પણ ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન પાસેથી મેચ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુલબાદિને છેલ્લી ક્ષણે તેની વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું હતું. મેક્સવેલે 41 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા. આ સિવાય માત્ર માર્કસ સ્ટોઈનિસ (11) અને મિશેલ માર્શ (12) જ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા. જ્યારે ગુલબદ્દીન નાયબે ચાર વિકેટ લીધી હતી જ્યારે નવીન ઉલ હકે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને છ વિકેટે 148 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે 49 બોલમાં 60 રનની સર્વોચ્ચ ઈનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. જ્યારે ઈબ્રાહિમ ઝદરાને 48 બોલમાં છ ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. કમિન્સે આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે હેટ્રિક લીધી હતી. કમિન્સે રાશિદ ખાન, કરીમ જનાત અને ગુલબદિન નાયબને સતત બોલ પર આઉટ કર્યા હતા. પેટ કમિન્સે સતત બીજી મેચમાં હેટ્રિક લીધી છે. આ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની ગત મેચમાં પણ હેટ્રિક લીધી હતી. આ સિવાય એડમ ઝમ્પાએ બે અને માર્કસ સ્ટોઈનિસે એક વિકેટ ઝડપી હતી. જયારે અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નાયબે ચાર વિકેટ લીધી હતી જ્યારે નવીન ઉલ હકે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.

પોઇન્ટ ટેબલ ઉપર શું અસર પડશે હાર અને જીતની ?

અફઘાનિસ્તાનની જીત સાથે ગ્રુપ-1નું સમીકરણ રસપ્રદ બની ગયું છે. ભારત બે મેચમાં બે જીત સાથે નંબર વન પર છે. હવે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે કરવાનો છે. જો ઓસ્ટ્રેલિયા તે મેચમાં હારી જશે તો તેની મુશ્કેલીઓ વધી જશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન માટે મોટી તક હશે અને જો તે બાંગ્લાદેશને હરાવશે તો તે સુપર 8માં પહોંચી જશે. ભારતની સેમીફાઈનલની જગ્યા પણ હજુ સુધી સંપૂર્ણ રીતે કન્ફર્મ થઈ નથી. તેણે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી પડશે.

Back to top button