સોમનાથમાં સમન્વય: સમાન ગોત્ર, સમાન લગ્ન વિધિ સાથે સૌરાષ્ટ્ર તમિલ મિલાપનુ અદભુત સંગમ સ્થળ બન્યું સોમનાથ
- સોમનાથના બ્રહ્મબંધુઓએ સોમનાથ આવેલા સૌરાષ્ટ્ર તમિલોને સહોદરની ભાવનાથી આવકાર્યા
- અજાપાલેશ્વરી સોમનાથમાં વસતા બ્રાહ્મણોના કુળદેવી અને સાથે જ સૌરાષ્ટ્ર તમિલોના પણ કુળદેવી છે
- બંને સમાજ દ્વારા એકબીજાને મળી વર્ષો જૂના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે આદાન-પ્રદાન કરવામાં આવ્યું
વડાપ્રધાનની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા વર્ષો અગાઉ વિખુટા પડેલા સૌરાષ્ટ્રના ભાઈઓ- બહેનો કે જે હાલ તમિલનાડુમાં વસી રહ્યા છે તેમને ફરી પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયત્ન તો થઈ જ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રીયન તમિલો અને હાલ સોમનાથમાં વસવાટ કરતા બ્રાહ્મણો વચ્ચેનું એક અદભુત સાયુજ્યનું સાક્ષી સોમનાથ ધામ બન્યું છે.
સોમનાથ મંદિરના પૂજારીએ આપી માહીતી
સોમનાથના દૈત્યસુદન મંદિરના પૂજારી ભગીરથભાઈ ભટ્ટ જણાવે છે કે, સોમનાથના બ્રાહ્મણો અને સૌરાષ્ટ્ર તમિલોના કુળદેવી અને ઇષ્ટદેવ સમાન છે. સોમનાથમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર જ આવેલા પ્રાચીન ગૌરીકુંડના પરિસરમાં માતા અજાપાલેશ્વરીનું મંદિર સ્થિત છે , માતા અજાપાલેશ્વરી સોમનાથમાં વસતા બ્રાહ્મણોના કુળદેવી અને સાથે જ સૌરાષ્ટ્ર તમિલોના પણ કુળદેવી છે. સૌરાષ્ટ્રીયન તમિલો તેમને માતા રેણુકા દેવી તરીકે પણ સંબોધિત કરે છે. કુળદેવી એટલે કે કુળની મા ત્યારે સોમનાથના બ્રહ્મબંધુઓએ સોમનાથ આવેલા સૌરાષ્ટ્ર તમિલોને સહોદરની ભાવનાથી આવકાર્યા છે. સહોદર એટલે કે એક જ માતાનુ સંતાન.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી બંને સમાજ એકબીજા સાથે ફરી જોડાશે
સોમનાથ ગામમાં મુખ્ય માર્ગ પર આવેલ ભગવાન દૈત્યસુદનનું મંદિર જ્યાં બિરાજમાન વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ભગવાન દૈત્યસુદન મહારાજ સોમનાથવાસી બ્રાહ્મણો અને સૌરાષ્ટ્ર તમિલોના ઇષ્ટદેવ છે. સાથે જ બંને સમુદાયમાં ભારદ્વાજ, કૌડીન્ય જેવા ગોત્ર, સમાન લગ્ન વ્યવસ્થા, સમાન પૂજા વિધિ જોવા મળે છે. અનાવૃશીકા શાસ્ત્ર પ્રમાણે જે તે વિસ્તારમાં વસતા લોકોનો વર્ણ (રંગ),ચહેરાનો પ્રકાર થોડો અલગ હોય છે, ત્યારે હાલ પણ તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન તમિલોનો વર્ણ, ચહેરાનો આકાર સૌરાષ્ટ્ર અને ખાસ સોમનાથમા વસતા લોકો સાથે મળતો આવે છે, અનેક વર્ષોથી આ સૌરાષ્ટ્રીયન તમિલો પોતાના ઈષ્ટદેવ અને માતા કુળદેવી પાસે સમયાંતરે સોમનાથ અલગ- અલગ સમયે પૂજન અર્થે આવતા જોવા મળ્યા છે. પરંતુ આ અદભુત કાર્યક્રમ સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી બંને સમાજ એકબીજા સાથે ફરી જોડાશે તેમ પૂજારી ભગીરથભાઈ ભટ્ટે ઉમેર્યું હતું.
સોમનાથ આવેલ સૌરાષ્ટ્ર તમિલો માટે ખાસ વ્યવસ્થા
સોમનાથના બ્રાહ્મણોએ સોમનાથ આવેલ સૌરાષ્ટ્ર તમિલોને બ્રહ્મસમાજની વાડી ખાતે ખાસ રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી ત્યારે સહોદરની ભાવના સાથે પોતાના લોકોને બ્રહ્મબંધુઓએ આવકારી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. એક કુળદેવી એટલે કે એક માતા અને એક ઇષ્ટદેવ એટલે કે એક જ પિતાના સંતાન જાણે ફરી મળ્યા હોય તેવી સહોદરની ભાવના અહીં જોવા મળી છે. બંને સમાજ દ્વારા એકબીજાને મળી વર્ષો જૂના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ સમયે જાણે સોમનાથ પ્રભાસ ક્ષેત્રથી દૂર ગયેલા પોતાનાઓને ફરી પોતાના મૂળ સાથે જોડાવાના અવસરનું અદભુત મિલાપનુ સંગમ સ્થળ બની રહ્યું છે. આ અદભુત સંગમ દ્વારા એક પરિવારના લોકો જાણે વર્ષો બાદ ફરી એક થયા છે તેવું વાતાવરણ સર્જાયુ હતું.
આ પણ વાંચો : જામનગર જિલ્લા દૂધ સંઘે દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો, પશુપાલકો થયા ખુશખુશાલ