બનાસકાંઠાઃ મીઠાઈ અને ઘીનો 9.29 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
પાલનપુર: બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી વિભાગે દરોડા પાડી ઘી અને મીઠાઈનો કુલ 9.29 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. એટલે કે દિવાળીના તહેવારમાં ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી વિભાગ સતર્ક બન્યું છે. શ્રી પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ અને ખંડેલવાલ ડેરી પ્રોડક્ટ્સ નામની બે પેઢીના ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી વિભાગ દ્વારા પાલનપુર સર્કલ ઓફિસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આશરે 2.49 લાખની કિંમતનું 567 લીટર શંકાસ્પદ ઘી, 3849 કિલો શંકાસ્પદ મીઠાઈ અને આશરે 6.80 લાખની કિંમતનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ, તંત્રને મળેલી બાતમીને આધારે પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે શ્રી પદ્મનાથ ફૂડ પ્રોડક્ટસમાં રાતે દરોડાપાડવામાં આવ્યા હતા. ‘શાશ્વત પ્રિમિયમ કાઉ ઘી ૫ લિટર પેક’, ‘શાશ્વત પ્રિમિયમ કાઉ ઘી 200 મિલી પેક’ અને ‘શાશ્વત પ્રિમિયમ શુદ્ધ ઘી 35 મિલી લિટર પેક’ એમ કુલ ત્રણ નમૂના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે 2.49 લાખ રૂપિયાની કિંમતનો ઘીનો જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો.
પાલનપુરમાં ખંડેલવાલ ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢી પર દરોડામાં માલિક કૈલાશ ખંડેલવાલ વિવિધ મીઠાઈઓનું ઉત્પાદન અને સંગ્રહ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઇન્ડિયન સ્વીટ નામની 25 કિલો પેકિંગ પ્લાસ્ટિક કંપની પેકની કુલ 152 થેલી સંગ્રહ કરેલી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 ના નિયમો અનુસાર ઉત્પાદન તારીખ, બેચ નંબર, ઉત્પાદકનું નામ-સરનામું, સમાપ્તિ તારીખ, પોષક માહિતી જેવી જરૂરી માહિતી આ જથ્થા પર દર્શાવવામાં આવી ન હતી. આ થેલીના ત્રણ અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 6.45 લાખની કિંમતનો 3794 શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પેઢીમાં શંકાસ્પદ ગુણવત્તાવાળું ઘી માલૂમ પડતા તેનો પણ નમૂનો એકત્ર કરી બાકીનો રૂ. 35 હજારની કિંમતનો કુલ 55 કિલોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, આ પેઢી પાસેથી રૂ. 6.80 લાખની કિંમતનો કુલ 3849 કિલો ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ ખાદ્યપદાર્થો બિનઆરોગ્યપ્રદ હોવાના પૃથ્થકરણ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલે વધુ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢ-વલસાડમાં ભેળસેળિયાઓ પર તવાઈ, 10.34 લાખનો ઘીનો જથ્થો જપ્ત