ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણામાં AAPની ખરાબ સ્થિતિ પર સ્વાતિ માલિવાલની તીખી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

  • 89 બેઠકો પર ચૂંટણી લડેલી AAPને 2 ટકાથી પણ ઓછો વોટ શેર મળ્યો

નવી દિલ્હી, 8 ઓકટોબર: હરિયાણામાં ચૂંટણી પરિણામના વલણને જોઈને કિંગમેકર બનવાનું લક્ષ્ય ધરાવતી આમ આદમી પાર્ટી (AAP)નું ખાતું ખૂલતું હોય તેવું જોવા મળી રહ્યું નથી. AAPએ 89 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને 2 ટકાથી ઓછો વોટ શેર મળ્યો છે. નિરાશાજનક પ્રદર્શન વચ્ચે AAPના બળવાખોર રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે પાર્ટીના આ ઘા પર મીઠું નાખવાનું કામ કર્યું છે. અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, “હજુ પણ સમય છે, નાટક બંધ કરીને જનતા માટે કામ કરો.”

સ્વાતિ માલિવાલે આરોપ લગાવતાં શું કહ્યું?

સ્વાતિ માલિવાલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ કાપ્યા છે. તે કોંગ્રેસથી બદલો લેવા માટે જ હરિયાણા આવી હતી. મારા પર બીજેપીનો એજન્ટ હોવાનો ખોટો આરોપ લગાવ્યો, આજે તે પોતે જ INDI એલાયન્સ સાથે દગો કરી રહી છે અને INCના વોટ કાપી રહી છે, બધું છોડો, વિનેશ ફોગટને પણ હરાવવા માટે તેમણે ઉમેદવાર ઊભો રાખ્યો છે. પરિસ્થિતિ એવી કેમ બની ગઈ છે કે પોતાના ગૃહ રાજ્યમાં જામીન બચાવી શકતા નથી? હજુ પણ સમય છે, તમારો અહંકાર છોડી દો, તમારી ધૂંધળી આંખો પરથી પડદો હટાવો, નાટક બંધ કરો અને જનતા માટે કામ કરો.”
તેમના સમર્થન વિના કોઈ સરકાર નહીં બને: કેજરીવાલનો દાવો

જેલમાંથી જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, તેમના પત્ની સુનીતા કેજરીવાલ, દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ સહિત અનેક નેતાઓએ હરિયાણામાં સખત મહેનત કરી હતી. અરવિંદ કેજરીવાલ મૂળ હરિયાણાના છે અને આ બાબતને લોકો સમક્ષ રાખીને તેમણે સમર્થનની અપીલ કરી હતી. કેજરીવાલે અનેક રોડ શો દરમિયાન દાવો કર્યો હતો કે, તેમના સમર્થન વિના હરિયાણામાં કોઈ સરકાર નહીં બને. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ હરિયાણામાં પરિણામ પાર્ટી માટે નિરાશાજનક રહ્યા હતા. 

આમ આદમી પાર્ટીના હરિયાણા પ્રભારી સુશીલ ગુપ્તાએ કહ્યું કે, તેમની પાર્ટીએ પુરી તાકાત સાથે ચૂંટણી લડી હતી. તેમણે આ ચૂંટણી અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં લડી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારોની પસંદગીના સમયે પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ જેલમાં હતા. પાર્ટીનું કહેવું છે કે, જો કેજરીવાલને પહેલા જામીન મળી ગયા હોત તો પરિણામ અલગ હોત.

આ પણ જૂઓ: હરિયાણાની VIP સીટો પર કોણ આગળ, કોણ પાછળ? જાણો સ્થિતિ

Back to top button