ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

સ્વાતિ માલિવાલે નિર્ભયાની માતાનો વીડિયો કર્યો શેર, કહ્યું: કેટલાક નેતા તેમને BJPના એજન્ટ કહેશે

  • નિર્ભયાની માતા આશા દેવી હવે સ્વાતિ માલિવાલના સમર્થનમાં બહાર આવ્યા

નવી દિલ્હી,23 મે: સ્વાતિ માલિવાલ સાથેના ગેરવર્તણૂકને લઈને વિવાદ અટકી રહ્યો નથી. એક તરફ હવે દિલ્હી પોલીસની ટીમ આજે ગુરુવારે અરવિંદ કેજરીવાલના માતા-પિતા અને તેમની પત્નીની પૂછપરછ કરી શકે છે. બીજી તરફ, નિર્ભયાની માતા આશા દેવી હવે સ્વાતિ માલિવાલના સમર્થનમાં બહાર  આવ્યા છે. હકીકતમાં, નિર્ભયાની માતા આશા દેવીએ ન્યૂઝ એજન્સીને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન એક સવાલના જવાબમાં આશા દેવીએ કહ્યું કે, “જો અરવિંદ કેજરીવાલ કહે છે કે તેઓ દિલ્હીના ભાઈ અને પુત્ર છે તો તેમણે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.” આશા દેવીએ કહ્યું કે, મેં પોતે જોયું છે કે વર્ષોથી સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલ સાથે મહિલાઓ માટે કામ કર્યું છે.” સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.

નિર્ભયાના માતાના સમર્થનથી હું ખૂબ જ ભાવુક થઈ ગઈ: સ્વાતિ માલિવાલ 

આશા દેવીના ઈન્ટરવ્યુનો વીડિયો સ્વાતિ માલિવાલે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. આ શેર કરતી વખતે સ્વાતિ માલિવાલે આશા દેવીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. સ્વાતિ માલિવાલે લખ્યું છે કે, હવે કેટલાક નેતાઓ મને સમર્થન આપવા માટે આશા દેવીના ઇન્ટરવ્યૂને ભાજપનો એજન્ડા કહેશે. આ વીડિયોને શેર કરતાં સ્વાતિ માલિવાલે લખ્યું કે, “નિર્ભયાની માતાએ દેશમાં ન્યાય માટે લાંબી લડાઈ લડી છે. જ્યારે હું બાળ દુષ્કર્મીને સજા અપાવવા માટે ઉપવાસ પર હતી ત્યારે પણ તેમણે મને સાથ આપ્યો હતો. આજે જ્યારે તેમણે મારા સમર્થનમાં વીડિયો બનાવ્યો ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગઈ છું. પરંતુ તે કોઈ મોટી વાત નથી, હવે કેટલાક નેતાઓ મને સમર્થન કરવા બદલ તેમને બીજેપીનો એજન્ટ કહેશે.”

અરવિંદ કેજરીવાલના માતા-પિતાની આજે પૂછપરછ

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલના પૂર્વ PA બિભવ કુમાર પર આરોપ લગાવ્યો છે કે, જ્યારે તે કેજરીવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા તો બિભવે કથિત રીતે તેમની સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ કરી. ત્યારથી આ વિવાદ સતત વધી રહ્યો છે અને શબ્દોનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે. આ મામલામાં દિલ્હી પોલીસની ટીમ અરવિંદ કેજરીવાલના પરિવારની પણ પૂછપરછ કરી શકે છે. અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે, આજે દિલ્હી પોલીસ તેમના માતા-પિતાની પૂછપરછ કરશે. જો કે આ પાછળ તેમણે કોઈ કારણ જણાવ્યું નથી.

આ પણ જુઓ: ઉરી-પુલવામા પર જયશંકરની ટિપ્પણી, કહ્યું: જેમને મેસેજ આપવાનો હતો, તેમને મળી ગયો હશે

Back to top button