ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્વાતિ માલીવાલ તીસ હજારી કોર્ટ પહોંચ્યા, મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવશે પોતાનું નિવેદન 

  • સ્વાતિ માલીવાલની રાત્રે 3 વાગ્યા સુધી મેડિકલ તપાસ કરવામાં આવી હતી 

નવી દિલ્હી, 17 મે: AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના કેસમાં દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા છેલ્લા 12 કલાકમાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે સીએમ અરવિંદ કેજરીવાલના પીએમ વિભવ કુમાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ રાત્રે 3 વાગ્યા સુધી સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. હવે આજે શુક્રવારે સવારે દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલ સાથે તીસ હજારી કોર્ટ પહોંચી છે. જ્યાં સ્વાતિ માલીવાલનું નિવેદન CRPCની કલમ 164 હેઠળ નોંધવામાં આવશે.

 

સ્વાતિ માલીવાલે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, “મારી તરફથી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના તેણે (વિભવ) મને થપ્પડ મારવાનું શરૂ કર્યું. હું ચીસો પાડતી રહી, તેણે મને ઓછામાં ઓછા 7-8 વાર થપ્પડ મારી. હું સંપૂર્ણ આઘાતમાં હતી અને મદદ માટે વારંવાર ચીસો પાડી રહી હતી. મારી જાતને બચાવવા મેં તેને મારા પગથી દૂર ધકેલી દીધો. આ દરમિયાન, તેણે ફરીથી મને ધક્કો માર્યો અને મને નિર્દયતાથી મારવાનું ચાલુ રાખ્યું.”

FIR
FIR

સ્વાતિ માલીવાલે FIRમાં શું લખ્યું ? જાણો 

આ પહેલા ગુરુવારે મોડી રાત્રે સ્વાતિની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ પણ આજે આવશે. આ સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આજે વિભવ કુમારને સમન્સ પાઠવ્યા છે. જો કે, વિભવ કુમાર વિશે કોઈ માહિતી નથી. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને વિભવ વિરુદ્ધ કલમ 32, 506, 509 અને 354 હેઠળ FIR નોંધી છે. સ્વાતિ માલીવાલે આ FIRમાં લખ્યું છે કે, આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમયમાંથી એક છે. દર્દ, ટ્રોમા અને જુલમે મારા મનને સુન્ન કરી નાખ્યું છે. હુમલો થયો ત્યારથી, મને મારા માથા અને ગરદનમાં સતત દુખાવો થઈ રહ્યો છે. મને મારા શરીર અને પેટમાં પણ ખૂબ દુખાવો થાય છે. મને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. મારી પરિસ્થિતિ એ હકીકતને કારણે વધુ ખરાબ થઈ ગઈ છે કે મહિલાઓના પ્રશ્નો માટે આખી જિંદગી લડ્યા પછી અને લાખો મહિલાઓને ન્યાય અપાવવામાં મદદ કર્યા પછી મને એક એવી વ્યક્તિ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો,જેને હું લાંબા સમયથી ઓળખું છું. હું આ ઘટનાથી ખૂબ જ પરેશાન થઈ ગઈ છું અને આશ્ચર્ય પણ અનુભવું છું કે કોઈ આવી ગુંડાગીરી કેવી રીતે કરી શકે. હું સંપૂર્ણપણે તૂટેલી અનુભવું છું.

 

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને આ મામલે શું કહ્યું?

સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના મામલામાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ લખનૌમાં આરોપી વિભવ સાથે બેશરમ રીતે ફરી રહ્યા હતા. આ કેસની તુલના અન્ય કોઈ કેસ સાથે ન થઈ શકે. હું મારા મનથી અને પાર્ટીના મનથી દુ:ખ વ્યક્ત કરવા આવી છું. અરવિંદ કેજરીવાલ 13 મે પછી એક પણ શબ્દ બોલ્યા નથી. તેમના પક્ષની મહિલા સભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે. જે અસ્વીકાર્ય છે. સ્વાતિ માલીવાલ દિલ્હી મહિલા આયોગના વડા હતા. મહિલાઓ વિશે ઘણી બધી વાતો કરનારા મુખ્યમંત્રીએ આ મુદ્દે તેમના પૂર્વ પીએ વિશે કશું કહ્યું નહીં.

આ પણ જુઓ: રાયબરેલીમાં આજે ગાંધી પરિવારનો મેગા-શો, રેલીમાં અખિલેશ યાદવ જોડાશે

Back to top button