સ્વામી રામદેવ-આચાર્ય બાલકૃષ્ણે જાહેરાત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી
- જાહેરખબરમાં એલોપેથીની ટીકા બદલ થયેલા કેસમાં માફી માગવી પડી
- સુપ્રીમ કોર્ટના આદેશને હળવાશથી લેવા બદલ પતંજલિ ઉપર કોર્ટની નારાજગી
નવી દિલ્હી, 2 એપ્રિલ, 2024: સ્વામી રામદેવ તથા આચાર્ય બાલકૃષ્ણે આજે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી હતી. પતંજલિનાં ઉત્પાદનોની જાહેરખબરમાં એલોપેથીની ટીકા કરવાના કેસમાં બંનેએ આજે કોર્ટમાં રૂબરૂમાં હાજરી આપવી પડી હતી, કેમ કે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં જાહેરખબર પ્રકાશિત થઈ હતી. એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સ્વામી રામદેવ તથા આચાર્ય બાલકૃષ્ણે પોતાનો બચાવ કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. આ કારણથી પણ સુપ્રીમ કોર્ટ વધારે નારાજ થઈ હતી અને બંને ઉપર અદાલતની અવમાનનાની નોટિસ કાઢીને બંનેને રૂબરૂ હાજર થવા આદેશ આપ્યો હતો.
પતંજલિની જાહેરખબરમાં એલોપેથીની ટીકાથી નારાજ થયેલા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને આ કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી જસ્ટિસ હીમા કોહલી તથા જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચમાં થઈ રહી છે.
અદાલતે પતંજલિ ઉપરાંત સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગત 21 નવેમ્બરે કોર્ટના આદેશ છતાં સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે પત્રકાર પરિષદ યોજીને પતંજલિનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. દેખીતી રીતે આ કોર્ટની અવમાનના હતી. સુપ્રીમ કોર્ટ સહિત દેશની કોઇપણ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરવાનો કોઇને અધિકાર નથી તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટના આકરા વલણ પછી પતંજલિના વકીલે બેન્ચને જણાવ્યું હતું કે, આજે સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા છે અને બિનશરતી માફી માગે છે.
જોકે, કોર્ટે આ તબક્કે માગણી કરી હતી કે, હજુ સુધી માત્ર એક સોગંદનામું જ રજૂ થયું છે, બીજું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું નથી. ત્યારે પતંજલિના વકીલે કહ્યું હતું કે, બાકી રહેલું સોગંદનામું આજે રજૂ કરી દેવામાં આવશે.
એક અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે આજની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સ્વામી રામદેવ યોગના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરે છે, પરંતુ આયુર્વેદિક દવાઓના વેચાણ માટે એલોપેથીની ટીકા કરવાનું યોગ્ય નથી.
અન્ય એક અહેવાલ અનુસાર જસ્ટિસ હિમા કોહલીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પતંજલિ દ્વારા આવી જાહેરખબર પ્રકાશિત થતી હોવા છતાં કેન્દ્ર સરકારે શા માટે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો!
સુનાવણી દરમિયાન, સ્વામી રામદેવ દ્વારા એવી દલીલ કરવાનો પ્રયાસ થયો હતો કે, અદાલતના આદેશ બાદ જે જાહેરખબર પ્રકાશિત થઈ તે પતંજલિના મીડિયા વિભાગ દ્વારા થઈ હતી અને મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણ નહોતી. જોકે, અદાલતે આ દલીલ સ્વીકારી નહોતી અને કહ્યું હતું કે, તમે અને તમારો મીડિયા વિભાગ અલગ ન હોઈ શકે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટની નોટિસ પર બાબા રામદેવે કહ્યું, ‘મેડિકલ માફિયા મારા પાછળ પડ્યા છે’