ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રવિવારે સમગ્ર દેશમાં એક સાથે, એક કલાક માટે શ્રમદાન દ્વારા સ્વચ્છાંજલી

  • શ્રમદાનમાં એકત્ર થનાર કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે આગોતરું આયોજન
  • “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે યોજાશે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો : રાઘવજી પટેલ
  • CM ભૂપેન્દ્ર પટેલ સહિત જન પ્રતિનિધિઓ વિવિધ સ્થળોએ એક કલાક માટે કરશે શ્રમદાન

સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ૧લી ઓક્ટોબરે સવારના ૧૦થી ૧૧ અર્થાત એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. ગુજરાત રાજ્ય પણ આ ઐતિહાસિક કલાકમાં હરહંમેશની જેમ પોતાનો સિંહફાળો આપશે, તેમ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે શનિવારે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલા સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરાશે.

 

મહાશ્રમદાન કાર્યક્રમો વિશે વધુમાં શું કહ્યું મંત્રી રાઘવજી પટેલે ?

મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાવવા રાજ્યભરમાં ૧લી ઓક્ટોબરે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના જનપ્રતિનિધિઓ અને રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ધાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો એક કલાક માટે શ્રમદાન કરશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં પણ વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી સાથે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રમદાનથી ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને મળશે પ્રોત્સાહન : મંત્રી

શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પૂર્વ આયોજન કરાયું છે. આ સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરશે. શ્રમદાન માટે સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર રાજ્યભરમાં ૩૦,૦૦૦ જેટલા કાર્યક્રમોની નોંધણી થઈ છે, જેમાં આશરે ૨૫ લાખ જેટલા લોકો એક સાથે જોડાઈને એ સાથે શ્રમદાન કરશે, તેમ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું.

 

મંત્રી રાધવજી પટેલે કહ્યું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી દ્વારા સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર દરમિયાન “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૨૯ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૧.૨૪ લાખ જેટલી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આશરે ૨.૫૪ કરોડ ગ્રામજનોએ ભાગ લીધો છે. આશરે એક લાખથી વધુ સંખીમંડળના ૮.૨૪ લાખ સભ્યોએ આજ સુધીમાં ૨૦.૮૭ લાખ કલાકનું શ્રમદાન કર્યુ છે.

 

આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હેઠળ રાજ્યના અંદાજીત ૧૧,૦૦૦ ‘’બ્લેક સ્પોટ’’ ખાતે વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસના રોજ પણ રાજ્યના ૧૪ મુખ્ય પ્રવાસન સ્થળોએ સાફસફાઈ કરી, “Travel Life“ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦૦થી વધુ ગ્રામજનો ભાગીદાર બન્યા હતા. સ્વચ્છતા કામદારો અને સફાઇ મિત્રોની સુખાકારી નક્કી કરવા માટે ૮૦૦૦થી વધુ આરોગ્ય તપાસ તથા શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શાળા-કોલેજોના ૧૦.૪૪ લાખથી વધુ વિધાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી છે.

આ પણ જુઓ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ કામોનાં ખાતમૂહુર્ત અને લોકાર્પણ

Back to top button