સુવેન્દુ અધિકારીએ CM મમતા બેનર્જી વિરુદ્ધ FIR નોંધાવી: જાણો કેમ ?
- મમતા બેનર્જીએ એક ભાષણમાં કહ્યું હતું કે “જો તેઓએ અમારા ચારને જેલમાં મોકલ્યા છે, તો અમે તેમના આઠને જેલમાં મોકલીશું.”
- આ નિવેદન બદલ સુવેન્દુ અધિકારીએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
- સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રીના નિવેદનને “ઉશ્કેરણીજનક” અને “ધમકાવનાર” ગણાવ્યું.
પશ્ચિમ બંગાળ,25 નવેમ્બર: સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો દ્વારા ઉશ્કેરણીજનક અને ધમકીઓ ભર્યું નિવેદન આપવાનો આરોપ લગાવતી ફરિયાદ કરાવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારથી તેમણે પોતાનો રાજકીય રસ્તો બદલ્યો છે ત્યારથી તેમને અનેક બનાવટી કેસોનો સામનો કરવો પડ્યો છે.
સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, મમતા બેનર્જીની આગેવાની હેઠળ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે તેમની અને તેમના રાજકીય પક્ષના સભ્યો વિરુદ્ધ સતત નફરતને પ્રોત્સાહન આપ્યું છે. ગુરુવારે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં એક ભાષણમાં, મમતા બેનર્જીએ ભાજપને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે “જો તેઓએ અમારા ચાર નેતાઓને જેલમાં મોકલી દીધા છે, તો અમે તેમના આઠ નેતાઓને જેલમાં મોકલીશું.” મમતા બેનર્જી તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં કેન્દ્રીય એજન્સીઓ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ વિરૂધ્ધ ઝડપી કાર્યવાહી કરી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસના પાંચ નેતાઓ જેલમાં છે
તૃણમૂલના નેતાઓ પાર્થ ચેટર્જી, જીવન કૃષ્ણ સાહા, માનિક ભટ્ટાચાર્ય, અનુબ્રત મંડલ અને જ્યોતિ પ્રિયા મલિક ભ્રષ્ટાચારના કેસોમાં તેમની કથિત સંડોવણી માટે જેલમાં છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ખોટા ભ્રષ્ટાચારના આરોપમાં TMC નેતાઓની ધરપકડ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુવેન્દુ અધિકારીએ આ કલમો હેઠળ કેસ દાખલ કરાવ્યો
મુખ્યમંત્રીના ભાષણને ઉશ્કેરણીજનક અને ગુનાહિત રૂપે ડરાવવાળું ગણાવતા અધિકારીએ જણાવ્યું હતું કે, આવા નિવેદનો માત્ર પાયાવિહોણા નથી પરંતુ ગેરકાયદેસર પણ છે. અધિકારીએ 182 (ખોટી માહિતી), 194 (ખોટા પુરાવા), 195A (ધમકી) સહિત IPCની વિવિધ કલમોના સંભવિત ઉલ્લંઘનને ટાંકીને મમતા બેનર્જી અને આ ઘટનામાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવા પોલીસને અપીલ કરી. આ સિવાય મમતા બેનર્જી વિરુદ્ધ કલમ 211, 203, 505 (II) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો, ભારે વરસાદને કારણે ચેન્નાઈની તમામ શાળાઓ બંધ:જિલ્લા કલેક્ટરનો આદેશ