સુરત-વલસાડમાંથી 6 લાખથી વધુનો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

- રાજ્યમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી માટે તંત્ર કટિબદ્ધ
સુરત-વલસાડ: સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા અંદાજે રૂ. ૬.૨૪ લાખથી વધુનો ૧,૮૬૩ કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાના વિવિધ ૦૯ જેટલા નમૂના લઇને તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર વડી કચેરી દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં તપાસ દરમ્યાન વલસાડ જિલ્લામાં આવેલ શ્રી શિવશક્તિ ઓઈલ મિલ, સ્વામીનારાયણ ગુરુકુળ રોડ, પટેલ ફળિયા, મું. ચાલા, તા: વાપી, જિ.-વલસાડ ખાતેથી તપાસ કરતા પેઢીમાં શંકાસ્પદ જથ્થો જણાતા રાઈના તેલના અને રાઈસ બ્રાન તેલના એમ કુલ- ૫ નમૂના માલિક નિમેષકુમાર કિશોરભાઈ અગ્રવાલની હાજરીમાં લેવામાં આવ્યા હતા, જયારે બાકીનો ૧૦૨૪.૧૯ કિગ્રા તેલનો જથ્થો કે જેની બજાર કિંમત આશરે રૂ. ૨,૮૯,૦૩૮ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તંત્ર દ્વારા સન એગ્રો ફૂડસ, વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક, પ્લોટ નંબર -૯૮, મુ-વાપી, જિ: વલસાડ પેઢીમાં તપાસ કરતા રાયડા તેલ અને રાઈસ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેના બે નમૂના પેઢીના માલિક નારણભાઈ રામજી નંદાની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જયારે બાકીનો અંદાજીત ૫૨૪.૩૮ કિગ્રા જથ્થો કે જેની બજાર કિંમત રૂ. ૧,૫૩,૦૦૦ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત કોર્પોરેશન વિસ્તારમાં આવેલ અને સોનાના વરખવાળી મીઠાઈ માટે પ્રચલિત ૨૪ કેરેટ મીઠાઈ મેજિક, ખટોદરા, સુરત ખાતે ઝીણવટભરી તપાસ કરતા “વીઆરસી ટેસ્ટ બેસ્ટ દેશી ઘી” બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઘી બાબતે માલિક બ્રિજ કિશોરભાઈ મીઠાઈવાલાને વધુ પૂછપરછ કરતા તેઓએ હોલસેલરનું સરનામું આપ્યું હતું, જ્યાં તંત્ર દ્વારા તપાસ કરતા મિલ્કો ફૂડસ, રામપુરા, સુરત બંધ જોવા મળી હતી. આ પેઢી ઉપર આખી રાત ફૂડ સેફટી ઓફિસરે વોચ રાખીને પેઢીના જવાબદાર વેપારી કપિલ પ્રવિણચંદ્ર મેમ્બર પાસેથી વહેલી સવારે “ટેસ્ટ બેસ્ટ દેશી ઘી” નો નમૂનો તેમની હાજરીમાં લઇ આશરે ૩૧૪.૨ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિમત રૂ. ૧,૮૨,૨૩૬ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે.
હાલમાં તંત્ર દ્વારા આ બાબતમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: એક જ દિવસમાં, એક જ ટ્રેનમાં 504 ખુદાબક્ષ પાસેથી લાખોનો દંડ વસુલાયો