સુરતના વકીલ ઉપર હુમલો કરનાર સસ્પેન્ડેડ જવાનને મળ્યા શરતી જામીન
સુરતમાં થોડા સમય અગાઉ એક વકીલ ઉપર સરાજાહેર હુમલો કરવાની ઘટનામાં ઝડપાયેલા TRB જવાનને હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે. આ ઘટના રૂપિયાની ખોટી રીતે કરવામાં આવતી ઉઘરાણી અંગે ફેસબુક લાઈવ કરવામાં આવતું હોય ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. બનાવમાં જવાનને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.
અગાઉ સુરત સેસન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી
મળતી માહિતી મુજબ, ગત ઓગસ્ટ મહિનામાં અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. દરમ્યાન સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે 9 સપ્ટેમ્બરના રોજ ના મંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેની સુનાવણીમાં આજે ગુરૂવારે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે.
હાઈકોર્ટે જામીન આપતા પહેલા શું શરતો રાખી ?
હુમલા કેસમાં સાજન ભરવાડે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટ 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. જામીન અંગે શરત મૂકી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે તે ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.