સ્પોર્ટસ

IND vs SL : સૂર્યકુમારની તોફાની સદી, ભારતે શ્રીલંકાને જીત માટે રનનો 229 ટાર્ગેટ આપ્યો

ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમો આજે ત્રીજી અને નિર્ણાયક T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આમને-સામને છે. આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે સૂર્યકુમારની શાનદાર સદીના પગલે શ્રીલંકાને જીત માટે વિશાળ 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. સૂર્યકુમાર યાદવે આજે ફરી ધૂમ મચાવી હતી અને શ્રીલંકાના બોલરોને ચારે તરફ ઝુડ્યા હતા. સિક્સર અને ફોરનો વરસાદ કરીને શ્રીલંકાની સામે વિશાળ સ્કોર કર્યો હતો.

રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટી-20માં સૂર્યકુમાર યાદવનું તોફાન જોવા મળ્યું હતું. સૂર્યકુમારે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી છે. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન બનાવ્યા હતા. આ દરમિયાન 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાની તોફાની ઇનિંગ્સની મદદથી ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. સૂર્યા ઉપરાંત શુભમન ગીલે 46 અને અક્ષર પટેલે માત્ર 9 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા.

બંને ટીમો હાલમાં એક-એક મેચ જીતીને સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. રાજકોટમાં વિજેતા ટીમ સિરીઝ જીતશે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમે એકપણ શ્રેણી ગુમાવી નથી.ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારત આ મેદાન પર અત્યાર સુધી 4 T20 મેચ રમી ચુક્યું છે જેમાંથી તેણે 3માં જીત મેળવી છે જ્યારે એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર પ્રથમ વખત શ્રીલંકાની ટીમ T20 ઈન્ટરનેશનલ મેચ રમવા આવી છે. ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં રમાયેલી પ્રથમ T20માં મહેમાનોને 2 રને હરાવ્યું હતું જ્યારે પુણેમાં રમાયેલી બીજી T20 મેચ શ્રીલંકાએ 16 રને જીતી હતી.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન – પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, ધનંજયા ડી સિલ્વા, ચરિત અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, ચમકા કરુણારત્ને, મહેશ થીકશાના, કસુન રાજીથા અને ડી.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન – ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો : એર ઈન્ડિયાના પ્લેનમાં પેશાબ કરવાનો મામલો, આરોપીને 14 દિવસની જેલ

Back to top button