ગાંધીનગર, 03 જૂન 2024, ગુજરાતમાં 13મી મેથી 18મી મે સુધી થયેલા માવઠાને કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. રાજ્ય સરકારે માવઠાને કારણે પાક નુકસાનીનો સરવે કરવા આદેશ આપ્યો હતો જે હવે પૂર્ણ કરી દેવાયો છે. તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે.કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત 16,177 હેક્ટર વિસ્તાર માવઠાને કારણે અસરગ્રસ્ત થયો છે. ગુજરાતના 7 જિલ્લાના 10,943 ખેડૂતોને નુકસાન થયું છે. અંદાજે 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા SDRFના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે.
અંદાજિત સહાય રકમ 27.50 કરોડ રૂપિયા થાય છે
કમોસમી વરસાદ બાદ કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે. કૃષિ વિભાગના સર્વે પ્રમાણે અંદાજિત 16,177 હેક્ટર વિસ્તારમાં તેમજ કુલ 10,943 ખેડૂતો કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયા હતા. આમ, પ્રાથમિક અંદાજ મુજબ SDRFના અંદાજિત સહાય રકમ 27.50 કરોડ રૂપિયા થાય છે. હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે.વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કુલ અસરગ્રસ્ત વિસ્તારમાં 73.31 હેકટરનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લાના 6 સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં કુલ અસરગ્રસ્ત વિસ્તાર 5887.40 હેકટર
વલસાડમાં પાક નુકસાની સર્વેમાં કુલ 12 ગામોમાં 33 ટકાથી વધારે નુકસાન હોય તેવો ૪૫.૩ હેકટર વિસ્તાર નોંધાયો જેમાં ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ભરૂચ, નવસારી, ડાંગ જિલ્લામાં બાગાયતી પાકોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી વિગતવાર સર્વે કરવામાં આવતા 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર નોંધાયો નથી. સુરત જિલ્લામાં કુલ અસરગ્રસ્ત વિસ્તાર 5887.40 હેકટર છે. જેમાં 5767.40 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા 551.10 હેકટરનો સમાવેશ થાય છે.
રાજ્યમાં કુલ 11.49 લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકોનું વાવેતર
સુરત જિલ્લામાં કુલ 183 અસરગ્રસ્ત ગામમાં 20 ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં કુલ 1479 હેકટર વિસ્તાર કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયો છે. આ તમામ વિસ્તારમાં 3 સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ જિલ્લામાં 12 ગામમાં 33 ટકાથી વધારે નુકસાન થયું હોય તેવા 951 હેકટર વિસ્તાર નોંધાયો છે. રાજ્યમાં કુલ 11.49 લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે પૈકી 22 જિલ્લાઓમાં 8.38 લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ ખેતી પાકોનું વાવેતર થયું હતું.
આ પણ વાંચોઃગુજરાતમાં ગરમી હવે ધીરે ધીરે લેશે વિદાય, વરસાદની જાણો શું છે આગાહી