ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આશ્ચર્ય! અજિત પવારના પત્ની સુનેત્રા પવારને મોટી રાહત, MSCB બેંક કૌભાંડ મામલે મળી ક્લીનચીટ

Text To Speech

મુંબઈ, 24 એપ્રિલ: મહારાષ્ટ્રમાં મતદાનના થોડા દિવસ પહેલાં જ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રાને મોટી રાહત મળી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બેંક (MSCB)ના રૂ. 25 હજાર કરોડના કૌભાંડમાં તેમને આર્થિક અપરાધ શાખા એટલે કે EOW તરફથી આશ્ચર્યજનક રીતે ક્લીનચીટ મળી છે. આ સિવાય ભત્રીજા રોહિત પવાર સાથે જોડાયેલી કંપનીઓને પણ ક્લીનચીટ આપવામાં આવી છે. જો કે, ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુરુ કોમોડિટી અને જરાંદેશ્વર સુગર મિલ્સે લીઝને અસલી દેખાડવા માટે કાગળ પર વ્યવહાર કર્યો હતો.

બેંકને લોન આપવામાં કોઈ નુકસાન ન થયાનો ખુલાસો

EOWએ  ક્લોઝર રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે બેંકને લોન આપવા અને સુગર મિલને વેચવાની પ્રક્રિયામાં કોઈ નુકસાન થયું નથી. મુંબઈ પોલીસે જણાવ્યું કે સુનેત્રા પવારે વર્ષ 2008માં જય એગ્રોટેકના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બે વર્ષ બાદ જય એગ્રોટેકે જરાંદેશ્વર સુગર મિલને 20.25 કરોડ રૂપિયા આપ્યા હતા. આ પછી ગુરુ કોમોડિટીએ હરાજીમાં 65.75 કરોડ રૂપિયામાં જરાંદેશ્વર ઑપ સુગર મિલ ખરીદી. આ પછી ગુરુ કોમોડિટીએ તેને લીઝ પર આપી હતી, જેના ડિરેક્ટર રાજેન્દ્ર ઘડગે અને અજિત પવારના સંબંધીઓ હતા.જરાંદેશ્વરે ગુરુ કોમોડિટીને રૂ. 65.53 કરોડનું ભાડું ચૂકવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નાબાર્ડે 2007 થી 2011 સુધી બેંકના કામકાજની તપાસ કરી હતી. આ પછી બેંક દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે જાન્યુઆરી 2013માં તેણે બેંકની કાર્ય પ્રક્રિયાની તપાસ શરૂ કરી. જાન્યુઆરી 2014માં સહકારી કમિશ્નરે તેમના તપાસ અહેવાલમાં જણાવ્યું હતું કે બેંકને કોઈ નુકસાન થયું નથી. EOW એ જાન્યુઆરી 2024માં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો હતો, જે હજુ સુધી સેશન્સ કોર્ટે સ્વીકાર્યો નથી. અણ્ણા હજારે, શાલિનિતાઈ પાટીલ સહિત ઘણા લોકોએ આ ક્લોઝર રિપોર્ટનો વિરોધ કર્યો હતો અને વિરોધ અરજી દાખલ કરી હતી. જો કે, કોર્ટે ફરિયાદી સિવાય કોઈની પણ અરજી સ્વીકારી ન હતી.

આ પણ વાંચો: ખીચડી કૌભાંડ શું છે જે મહારાષ્ટ્રના રાજકારણને દઝાડી રહ્યું છે?

Back to top button