સુરેન્દ્રનગર : જમીન ખેડવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, બેના મોત, વાતાવરણ તંગ
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી છે. હાલ ત્યાના બનાવને લઈ મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થયા છે.જ્યારે પરિસ્થિતિ વધુ વણસે નહી તે માટે પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો છે.
સુરેન્દ્રનગરમાં જુથ અથડામણ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં ગઈ કાલે જૂથ અથડામણની ઘટના બની હતી. આ જૂથ અથડામણમાં 2 આધેડના મોત નિપજ્યા હતા. જ્યારે 7થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આમ નાના ઝઘડામાંથી વાત વણસતા અથડામણ હત્યામાં ફેરવાઈ ગઈ હતી. જેના કારણે અહીં તંગદિલી ભર્યુ વાતાવરણ સર્જાયું છે.
જુથ અથડામણમાં 2 વ્યક્તિના મોત
પ્રાપ્ત વિગતો મુજબ જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે હથિયાર વડે બાખડી પડ્યા હતા. તલવાર ધારીયા સહિતના હથિયારથી સામસામે હુમલો કરાયો હતો. આમ હથિયારો લઈને બે જુથના લોકો બાખડી પડતા મામલો હિંસાત્મક બન્યો હતો. અને આ અથડામણમાં 7થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.આ તમામને સારવાર માટે ખસેડાયા હતા. આ લટાઈમાં બે આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન જ આધેડના મોત નિપજ્યા હતા. આ મૃતકો અનુસુચિત જાતિના હોવાની વિગતો પણ સામે આવી છે. આ હત્યા બાદ અનુસુચિત જાતિમા રોષ ફેલાયો છે. અને આ હત્યાના બનાવને લઈ મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થયા છે.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
ઘટનાને પગલે ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને ભારે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GCCIના પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો,અજય પટેલ બન્યા GCCIના નવા પ્રેસિડેન્ટ