તરણેતર ગામે આજથી ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોકમેળાનો આજથી પ્રારંભ થયો. કોરોનાકાળનાં બે વર્ષ પછી મેળો યોજાઈ રહ્યો હોવાથી ઝાલાવાડનાં લોકોમાં અનેરો થનગનાટ છે.
તરણેતરનો મેળો એટલે લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકબોલી અને લોકગીતોનો મેળો છે. ભરવાડ-રબારી સમાજનાં યુવક-યુવતીઓ કાઠી, કોળી જ્ઞાતિના ભાઈ-બહેનો સહિત વિવિધ સમાજનાં લોકો પોત-પોતાનાં પરંપરાગત વેશ પહેરવેશમાં મેળો માણવા આવે છે. તરણેતરનાં મેળાનું પ્રતિક રંગબેરંગી છત્રી છે. મેળામાં મહાલતા ઝાલાવાડીઓ આ છત્રી લઈને ફરતા જોવા મળે છે. મેળાનાં સ્ટેજ પાસે મસમોટી છત્રી મુકવમાં આવી છે. જે દુરથી પણ જોઈ શકાય છે. આ સ્ટેજ ઉપર હુડોરાસ, લોકગીત, લોકસાહિત્ય વિગેરેની સ્પર્ધા યોજવામાં આવે છે. જ્યારે મેળાની આજુબાજુના મેદાનોમાં ગ્રામીણ ઓેલિમ્પીકની સ્પર્ધા યોજાય છે.
આ મેળો જ્યાં ભરાય છે તે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનાં મંદિરે પાળીયાદની જગ્યાના મહંત દ્વારા બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. શિવપુજન બાદ મેળાની શરૂઆત થાય છે. ભાદરવા સુદ-ત્રીજથી પાંચમ સુધી એટલે ર્કેે ૩૦ ઓગષ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. ઋષી પાંચમનાં દિવસે અહીં ગંગા સ્નાન કરવા સુરેન્દ્રનગર જીલ્લામાંથી જ નહીં, દુર-દુરથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. એકબાજુ બાવન ગજની ધજા ફરકતી હોય છે. મંદિરમાં હર હર ભોલેનો જય ઘોષ થતો હોય, ઘંટારવનો નાદ સંભળાતો હોય, ગંગા સ્નાન થતું હોય ભજન મંડળીઓમાં ભજન ગવાતા હોય ત્યારે મેળામાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે. તો બીજી બાજુ જોડીયા પાવાના સુર રેલાતા હોય, દેશી ઢોલનાં તાલે હુડો રાસડો રમાતા હોય, દોસ્તારો સાથે યુવાનો અને સખી સહેલી સાથે યુવતીઓ મેળામાં મહાલતી હોય, નિર્દોષ આનંદના એ દ્રશ્યો તરણેતરનાં મેળાની ખરી મજા છે.
10 DySP સહિત 1200 પોલીસના કાફલો તૈનાત
જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટીતંત્ર અને જીલ્લા પોલીસવડાની દેખરેખ હેઠળ જીલ્લા પોલીસ તંત્ર દ્વાર મેળાનું સુચારૂ આયોજન કરાયુ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રભરના 10 DySP,30 PI, 80 PSI,1100 પોલીસ કર્મચારી અને 900થી વધુ હોમગાર્ડ-જવાનોને બંદોબસ્ત જાળવશે.
તરણેતરનો મેળો અને બનેવી બજાર
તરણેતરનાં મેળામાં બનેવી બજારનું પણ મહત્વ છે. એક સમયે મેળામાં બનેવી બજાર ભરાતી હતી. જયાં સગાઈ થતી હોય કે નવા નવા લગ્ન થયા હોય તેવા યુવક-યુવતીઓ ભેગા થતા. જેમાં યુવતીની બહેન પણ હોય જે બનેવી પાસે બનેવી બજારમાંથી બંગડી, બોરીયા જેવી સ્ત્રી શ્રુંગારની વસ્તુ લઈ આવવા જીદ કરતી અને બનેવી પણ હોંશે હોંશે સાળીને આ વસ્તુ અપાવતા. ત્યારથી મેળામાં ભરાતી એક બજાર બનેવી બજાર તરીકે ઓળખાતી હતી.
પહેલી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી હાજરી આપશે
પહેલી તારીખે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતનાં મંત્રીઓ ઉપસ્થિત રહીને શિવપુજન, રમતોત્સવની મુલાકાત અભિવાદન કાર્યક્રમમાં જોડાશે. લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, મેદાની હરીફાઈ, સ્ટેજપરનાં કાર્યક્રમો અને હરીફાઈ, ઈનામ વીતરણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ 17 મી ગ્રામિણ ઓલમ્પિકમાં ટુંકી દોડ, લાંબી દોડ 3, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, આર્ચરી, કબડ્ડી, રસ્સા ખેંચ,અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઓલમ્પિકના કારણે જ ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભા બહાર આવતી હોય છે. ખેલાડીઓને સરળતા રહે તે માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. 2 તારીખે ગંગા વિદાય આરતી સાથે બપોરે મેળાની પૂર્ણાહુતી થશે.
મેળામાં ભજન મંડળીઓ અને અન્નક્ષેત્રનું પણ મહત્વ
મેળામાં જુદી જુદી જગ્યાએ રાવટીઓ નાંખીને ભજન મંડળીઓમાં ભજન ગવાતા હોય છે. અન્નક્ષેત્રોમાં મેળો માણવા આવેલા ભૂખ્યા લોકો માટે ભોજનની સેવા થતી હોય છે. કોઈ જગ્યાએ જાદુના તો કોઈ જગ્યાએ અંગ કસરતાંના કરતબોના નિદર્શનો થતા હોય છે.