ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરેન્દ્રનગર: સરકારી ગોડાઉનની મગફળીમાં લાગેલ આગ મામલે દિલીપ સંઘાણીનું ચોંકાવનારું નિવેદન

Text To Speech
  • દિલીપ સંઘાણીના નિવેદનથી તપાસની દિશા બદલાઈ શકે છે
  • આગ લાગતા અંદાજે ૭૦ હજાર કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ
  • સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલી ૨,૦૦૦ બોરી બળીને ખાખ થઈ ગઈ

સુરેન્દ્રનગર: થાનમાં સરકારી (એફસીઆઈ) અનાજના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અંદાજે ૭૦ હજાર કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનામાં સહકાર ક્ષેત્રના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ આ આગને સામાન્ય સંજોગોમાં લાગેલી આગ માનવાનો ઇન્કાર કર્યો છે અને ઘટના પાછળ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે.

ત્રણ કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા

આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ સહિત અમુક શટરોને પણ તોડવામાં આવ્યા હતા અને અંદાજે બે થી ત્રણ કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા. સવારનો સમય હોવાથી સદ્દનસીબે સરકારી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જો કે સરકારી ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલી ૨,૦૦૦ બોરી બળીને ખાખ થઈ ગઈ હતી.

દિલીપ સંઘાણીના નિવેદનથી તપાસની દિશા બદલાઈ શકે છે

ઘટના અંગે પ્રતિક્રિયા આપતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં લાગતી નથી. જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે. ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી. ગોડાઉનના માલિકને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ગોડાઉનના માલિક, અધિકારીઓ અને કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે. દિલીપ સંઘાણીના નિવેદનથી તપાસની દિશા બદલાઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: વધુ એક પોલીસકર્મીનું હાર્ટએટેકથી મોત, ઓફિસમાં ફરજ દરમિયાન PI ઢળી પડ્યાં

Back to top button