MID DAY NEWS : સુરતની સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ ફસાઈ, વધુ એક નબીરાએ નશામાં સર્જ્યો અકસ્માત, જાણો જન્માષ્ટમીને લઈ પશ્ચિમ રેલવેનો નિર્ણય
2 કલાક 10 લોકોના જીવ અદ્ધર રહ્યા
સુરતમાં ગત મોડીરાત્રે સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ હતી. આથી અંદર રહેલા 10 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને પહેલા અને બીજા માળ વચ્ચે કોંક્રિટની દીવાલ તોડી હતી. તેમજ લિફ્ટનું પણ પતરૂવ કાપી બાકારૂ બનાવી તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટનામાં 2 કલાક સુધી લોકો લિફ્ટની અંદર જ ફસાઈ રહેતા તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, બહાર નિકળતા જ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગના દિલધડક ઓપરેશનથી આજે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે.
મુંબઈમાં I.N.D.I.A.ની આજે ત્રીજી બેઠક, 28 પક્ષો આવશે
વિપક્ષની પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયા નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ની ત્રીજી બેઠક આજથી મુંબઈમાં શરૂ થઈ રહી છે. આ બેઠક બે દિવસ (31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બર) સુધી ચાલશે. શરદ પવારે કહ્યું કે આ બેઠકમાં 28 પક્ષોના લગભગ 63 નેતાઓ ભાગ લેશે.બેઠકમાં મહાગઠબંધનનો લોગો અને કન્વીનરનું નામ જાહેર થઈ શકે છે. સૌથી મહત્ત્વનું એ નક્કી કરવાનું છે કે કયો પક્ષ, ક્યાંથી, કેટલી બેઠકો (સીટ વહેંચણી) પર ચૂંટણી લડશે . ઘણા રાજ્યોમાં મહાગઠબંધનમાં સામેલ પક્ષો એકબીજાના વિરોધી છે.આ પહેલા કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ કહ્યું હતું કે – લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધન જીત્યા બાદ જ પીએમ પદ માટેના નામનો નિર્ણય લેવામાં આવશે. ચૂંટાયેલા સાંસદો જ પીએમની પસંદગી કરશે.
સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન બનવા માટે જંગ
ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની ટર્મ સપ્ટેમ્બર મહિનામાં પુરી થઈ રહી છે.અમદાવાદમાં ટર્મ 9 સપ્ટેમ્બરના રોજ પૂરી થશે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર અને હાલના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને ઘાટલોડીયા વોર્ડના કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલ વચ્ચે સીધો જંગ છે. હિતેશ બારોટને ફરીથી રીપીટ કરવામાં આવી શકે છે, તો જતીન પટેલ પણ મુખ્ય દાવેદાર છે. જતીન પટેલ મુખ્યમંત્રીના નજીકના ગણાય છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રીના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. આ સિવાય બીજા બે દાવેદાર તરીકે હાલમાં શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ અને પાલડી વોર્ડના કોર્પોરેટર જૈનિક વકીલ પણ છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાની આ રેસમાં કોણ બાજી મારી જાય છે તેના પર સૌની નજર છે.
જન્માષ્ટમીના તહેવારને લઈ પશ્ચિમ રેલવેનો નિર્ણય
આગામી મહિને જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. જન્માષ્ટમીમાં ખાસ કરીને દ્વારકા અને સૌરાષ્ટ્ર તરફ લોકોનો ઘસારો વધુ હોય છે. જેથી પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 06 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.20 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 07 સપ્ટેમ્બરના રોજ ઓખાથી રાત્રે 23:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:40 કલાકે અમદાવાદ પહોંચશે.
લાઉડસ્પીકર પર આજે હાઈકોર્ટમાં સુનાવણી
મસ્જિદો પરના લાઉડસ્પીકર પર વાગતી અજાનના કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.મસ્જિદ પરના લાઉડ સ્પીકર પરથી અજાનના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજીમાં હવે મૂળ અરજદાર પાછા જોડાયા છે. જાહેરહિતની અરજી કર્યા બાદ, અરજદાર અને તેમના વકિલને ધમકી મળી હતી. જેના પગલે તેઓએ જાહેરહિતની અરજીમાંથી પોતાનું નામ પરત ખેચ્યું હતુ. દરમિયાન ગાંધીનગર સ્થિત બજરંગદળના સંયોજક આ જાહેરહિતની અરજીમાં દાખલ થયા હતા. તેમણે તેમની અરજીમાં ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદોનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.
કિંગ ઓફ સાળંગપુરના ભીંતચિત્રોએ વિવાદના બીજ રોપ્યા
કિંગ ઓફ સાળંગપુરના ભીંતચિત્રોએ વિવાદના બીજ રોપ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સ્થાપિત કરાયેલી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશન ફરતે વિવિધ પ્રતિમાઓ કંડારવામાં આવી છે. જેમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવતાં વિવાદ ઉભો થયો છે.ઉલ્લેખનીય છે કે, મુદ્દો સામે આવ્યા બાદ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રો બદલ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો છે. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માગ કરાઈ છે.
નશામાં નબીરાએ સર્જ્યો અકસ્માત
નડિયાદ બાદ હવે નવસારીમાં નશામાં ધૂત નબીરાએ બેફામ ગતિએ કાર ચલાવીને વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તાર ગઈકાલે રાતે બલેનો કારચાલકે બેફામ કાર હંકારીને પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા બાદ લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક કાર મૂકીને જ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત કરનાર કાર ચાલક NRI હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.