ગુજરાત દિવસે દિવસે ડ્રગ્સનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તમને ખ્યાલ જ હશે કે છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રગ્સ ઝડપાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ગુજરાતના યુવાધનને નશામાં ધકેલવામાં આવી રહ્યા છે તે જોઈને લાગી રહ્યુ છે કે જે હાલત પંજાબની થઈ હતી તે હવે ગુજરાતની થશે. તેમાં પણ હવે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે અને વેચવા માટે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ચોંકાવનારો ખુલાસો સુરતમાં થયો છે. જ્યાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે 2 મહિલાઓને ડ્રગ્સની સાથે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ સુરતમાં નશીલા પદાર્થ લાવવા માટે સપ્લાયરો સતત કોઈને કોઈ રીતો અપનાવીને નશીલા પદાર્થ સુરતમાં ઘુસેડતા હોય છે, ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈથી આશરે 35થી 40 વર્ષની બે મહીલા ટ્રેનમાં સુરત આવી પ્રતિબંધિત પદાર્થનો જથ્થો લઈ આવી અને તેની ડીલીવરી સુરત ખાતે આપનાર છે, તેવી બાતમી મળી હતી. તેના આધારે પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી હતી. મુંબઇથી સુરત ટ્રેનમાં એમડી ડ્ર્ગ્સ લઇને આવેલી આ બે મહિલાઓને લિનિયર બસ સ્ટેશન પાસે ઝડપી પાડવામાં આવી હતી. મહિલાઓ પાસેથી 20.90 લાખની કિમતનું 209.06 ગ્રામ એમડી ડ્રગ્સ તથા 2 મોબાઇલ ફોન મળી કુલ 21 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો નો મુકાબલો, આજે શ્રીલંકા સામે ટકરાશે
સુરત લિનિયર બસ સ્ટોપ પાસે જૂની સરદાર માર્કેટ તરફ જતા રિંગરોડ પરથી બે મહીલાઓ હીના શૌકત અલી મુમતાઝઅહેમદ શેખ તથા હમત ઈરફાન અલીમ સૈયદને પકડી પાડી હતી. શહેરની અંદર ડ્રગ્સ ઘૂસાડવા માટે હવે ડ્રગ સપ્લાયરો મહિલાઓને ટાર્ગેટ કરી અને તેમનો ઉપયોગ કરી તેમની પાસે સુરત શહેરની અંદર ડ્રગ્સ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેમનો આ કીમિયો પણ નિષ્ફળ કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.