સુરત : અષાઢ મહિનાની શરૂઆત સાથે રસ્તા બેસી ગયા, ઠેર ઠેર ટ્રાફિક જામ દ્રશ્યો
સુરતમાં અષાઢ મહિનાની શરૂઆત સાથે વરસાદી માહોલ પણ બરાબર જામ્યો છે. સુરતમાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના સાથે જ કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ બની રહી છે. આ સાથે જ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. જેમાં કતારગામ અને રાંદેર ઝોનમાં નવા બનાવેલા રસ્તાના બેહાલ થઈ ગયા છે.
ગુરૂવારે મોડી રાતથી જ સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રિ દરમિયાન મેઘાએ તોફાની તાંડવ સર્જતાં રાત્રિના સાત કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જોકે સવારે ઉઘાડ નીકળતાં પાણી ઓસરી ગયાં હતાં. સવારથી ફરીથી ધોધમાર વરસાદ વરસતાં જનજીવન તરબતર થયું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે, જેને કારણે દરેક રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
બીજી તરફ અમરોલી અને કડોદરા વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાયા હોવાનું જોવા મળ્યું છે. અમરોલી ક્રોસ રોડથી કોસાડ અવાસ તરફ જવાના રસ્તા પર પાણીનો ભરાવો થતાં ખાડી ઓવરફ્લો થઈ છે. હજી પહેલાં જ વરસાદમાં શહેરની સ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદમાં જ સાત ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે કાદરશાની નાળ, ઉધના દરવાજા, રેલવે ગરનાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
આ ઉપરાંત અડાજણ વિસ્તારમાં પણ રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી. અડાજણ હની પાર્ક રોડ પાસે સર્કલ નજીક રોડ બેસી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વરસાદની તો હજુ શરૂઆત થઇ છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે અહીં જો દુર્ઘટના બને તો જવાબદાર કોણ? અહીં રોડ બેસી જતાં વાહનચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે.
કતારગામ ઝોનમાં 10 દિવસ પહેલાં જ બનાવવામાં આવેલા રસ્તા પર મોટાં પ્રમાણમાં ભૂવા પડી જવાના કારણે રોડ બેસી જવાની ઘટના બની છે. આ પરિસ્થિતિના કારણે રસ્તાઓ પર અકસ્માતની પણ ઘટના વધી છે. વરાછાના ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી છે. રાત્રિના થોડાં વિરામ બાદ સવારે ફરી પછી વરસાદના પાણી ભરાયા હતા.
મોડી રાત્રિ દરમિયાન વરસેલા વરસાદને કારણે જનજીવનને બહુ મોટી અસર થઈ નહોતી. સવારે પાણી ઊતરી ગયાં હતાં. બાદમાં ફરી વરસાદ શરૂ થયો છે, જેને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે રોડ રસ્તાઓ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં છે. સુરતમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે. બે દિવસમાં પડેલા જ વરસાદે મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી છે. બે દિવસમાં પહેલા વરસાદને લઈને શહેરના રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના કતારગામ રાશી સર્કલ પાસે રોડમાં ખાડા પડવાની તેમજ રોડ બેસી જવાની ઘટના બની હતી. અહીં રોડ-રસ્તાની હાલત એવી છે કે અકસ્માતની ઘટના પણ બની શકે તેમ છે. પહેલા જ વરસાદમાં આ પ્રકારના રોડ થઇ જતાં વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.