ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: ગુમ થયેલી યુવતીને શોધવા જતાં આરોપીઓએ પોલીસને બંધક બનાવી

સુરતમાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલી પોલીસ જ બંધક બની ગઈ હતી. જેમાં બમરોલી રોડથી ગુમ થયેલી 27 વર્ષીય યુવતીના કેસમાં યુવકના પિતાએ PSI, બે કોન્સ્ટેબલને પોણો કલાક પૂરી રાખ્યા હતા. તેમાં ભારે ડ્રામા બાદ પોલીસ અને ટોળાંએ મુક્ત કરાવ્યા હતા. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ટેકનોસેવી કરચોરો પર તવાઇ, GST માટે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થપાશે

કર્મચારીઓને મુક્ત કરાવી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી

બમરોલી રોડથી ગુમ થયેલી 27 વર્ષીય યુવતી પાંડેસરા સુર્યા નગરમાં એક યુવાન સાથે રહેતી હોવાની શંકા સાથે તપાસ કરવા ગયેલી પાંડેસરા પોલીસ મથકના સબ ઇન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલને આ યુવાનના પિતા અને બે સાગરિતોએ હુમલો કરી પોણો કલાક સુધી બહારથી તાળું મારી રૂમમાં બંધ કરી દીધા હતા. ભારે ડ્રામા બાદ પોલીસ મથકમાંથી આવેલી પોલીસ અને ટોળાંએ આ કર્મચારીઓને મુક્ત કરાવી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો હવામાન વિભાગે ઠંડી બાબતે શું કહ્યું

યુવતી કે સુરજ તો ત્યાં મળ્યા ન હતા

પાંડેસરા પોલીસ મથકમાં અરજી આવી હતી. બમરોલી રોડની સોસાયટીમાં રહેતી 27 વર્ષીય યુવતી છેલ્લાં કેટલાંક સમયથી ગુમ હતી. આ યુવતી પાંડેસરા દેવકીનંદર સ્કૂલ પાસે આવેલી સુર્યાનગર સોસાયટીમાં એક મકાનમાં ઉપરના માળે રહેતા સુરજ મુરારી પટેલ સાથે રહેતી હોવાની બાતમી વચ્ચે સબ ઇન્સપેક્ટર ડી.ડી. ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ સુનિલ નાગર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ શનિવારે રાત્રે પોણા નવ વાગ્યે આ મકાનમાં પહોંચ્યા હતા. યુવતી કે સુરજ તો ત્યાં મળ્યા ન હતા, પરંતુ તેના પિતા મુરારી અર્જુન પટેલ (ઉ.વ. 40) મળી આવ્યા હતા.

આ પણ વાંચો: ઠંડીથી બચવા માટે તાપણું કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન, દંપતીનો ભોગ લેવાયો

પોણા કલાકે ગોંધાયેલી પોલીસનો છુટકારો થયો

પોલીસ સાથે યુવકના પિતાની માથાકુટ થતાં પોલીસ આ વ્યક્તિને અટકાયતમાં લઇ પોતાની સાથે લઇ જવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે નીચેથી ગ્રીલના દરવાજાને એક યુવકે તાળું મારી દીધું હતું. તે સાથે અંદરથી બીજો એક યુવાન ધસી આવ્યો હતો અને સબ ઇન્સપેક્ટરના ખભા ઉપર ચઢી હુમલો કરી દીધો હતો. બહારની ગ્રીલને તાળું માર્યું હોઇ પૂરાઇ ગયેલી પોલીસે પાંડેસરા પોલીસ મથકે ફોન કરી જાણ કરતાં પોલીસનો કાફલો ધસી આવ્યો હતો. છોડાવવા આવેલી પોલીસ સાથે પણ બહાર ઉભા રહેલાં શખ્સે હુમલો કરી દીધો હતો. અહીં ઉભી રહેલી ભીડની મદદથી માંડ સંતોષ રામબલી પટેલ નામના શખ્સને કાબુમાં કરી ચાવી મેળવી તાળું ખોલવામાં આવતાં પોણા કલાકે ગોંધાયેલી પોલીસનો છુટકારો થયો હતો. પોલીસને પૂરી દેનાર ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Back to top button