સુરત: ઉધનામાં પાણીની ટાંકીમાં સફાઈ માટે ઉતરેલા બે શ્રમિકોને ગુંગળામણ થતા હોબાળો
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતરેલા બે મજુરો ગૂંગળાઈ ગયા હતા. જેના કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જો કે, ત્વરિત ઘટના સ્થળે પહોંચેલા ફાયર – વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બન્ને યુવકોનું રેસક્યુ ઓપરેશન હાથ ધરી આ મજૂરોને બહાર કાઢ્યા હતા. અનો તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા.
પાણીની ટાંકીમાં સફાઈ માટે ઉતરેલા બે શ્રમિકોને ગુંગળાયા
મળતી માહિતી મુજબ આજે સવારે ઉધના ખાતે આવેલ સિટી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શ્રીજી ઈન્ડસ્ટ્રીઝમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અંદાજે 10 ફુટ ઉંડી પાણીની ટાંકીની સફાઈ કરવા માટે ઉતરેલા બે મજૂરો ગુંગળામણ થતા બેભાન થઈ ગયા હતા. જેના કારણે ઘટના સ્થળે હાજર કોન્ટ્રાક્ટર સહિતના કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો હતો. અને આ અંગે તેઓએ તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો.
ફાયર જવાનોએ મજૂરોને સહીસલામત બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન અને માન દરવાજા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવી ગયો હતો. અને આ બાબતેને ગંભીરતાથી લઈને તાત્કાલિક ફાયર વિભાગના બે જવાનોને બી.એ. સેટ પહેરાવીને પાણીની ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા.ફાયર વિભાગના જવાનોએ ગણતરીનાં સમયમાં બન્ને યુવકોનું રેસક્યુ હાથ ધરીને બહાર કાઢ્યા હતા.
મજૂરો બેભાન થઈ જતા સારવાર અર્થે ખસેડાયા
જો કે, ગુંગળામણ થવાને કારણે બન્ને યુવકો બેભાન થઈ જતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબોએ બન્ને યુવકોની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
બીજી તરફ આ ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જો કે, પાણીની ટાંકીમાં ઉતરેલા બન્ને યુવકો હાલમાં બેભાન હોવાને કારણે તેઓના પરિવારજનોથી જાણકારી મળી શખી ન હતી. હાલમાં કોન્ટ્રાક્ટર અને કંપનીના માલિકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ગૃહપ્રવેશમાં જવાની રજા ન મળતા ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરેએ ધરી દીધું રાજીનામું