ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

તંત્રની બેદરકારીથી હવે ભાજપના નેતાઓ પણ કંટાળ્યા, મહિલા કોર્પોરેટરે ચિમકી આપી

સુરત: સુરતમાં ટ્રાફિક જામ અને ગેરકાયદેસર દબાણોની સમસ્યા હવે રાજકીય તાપમાન વધારી રહી છે. વિપક્ષના બદલે સત્તાધારી ભાજપના જ ધારાસભ્ય અને કોર્પોરેટરો તંત્ર સામે બાયો ચડાવી રહ્યા છે.

વરાછા ધારાસભ્ય કુમાર કાનાણી પછી હવે ભાજપના મહિલા કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ સુરત પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સીધી ચેતવણી આપી છે. આ પત્ર હાલ સુરતના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

10 લાખ લોકોની હાલત ‘નરક’ જેવી

કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ટ્રાફિક જામ અને આડેધડ લારી-ગલ્લા તેમજ અન્ય દબાણોને કારણે વરાછા વિસ્તારના અંદાજે 10 લાખ લોકો રોજબરોજ નરક જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તંત્રની ઉદાસીનતા હવે હદ વટાવી ચૂકી છે.

7 દિવસનું અલ્ટીમેટમ

કાવ્યા કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, “આગામી 7 દિવસમાં જો ટ્રાફિક અને દબાણોની સમસ્યા હલ નહીં થાય તો હું સ્થાનિક જનતાને સાથે લઈને રસ્તા પર ઉતરીશ અને જાતે રોડ ખુલ્લા કરાવીશ.”

આ પહેલાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સોશિયલ મીડિયા અને તંત્ર સમક્ષ આ મુદ્દે આકરા સવાલો ઉઠાવ્યા હતા.

લાંબા સમયથી ચાલતી સમસ્યા

સુરતમાં ટ્રાફિક અને દબાણોની સમસ્યા વર્ષોથી ચાલી આવે છે. વિકસતા શહેરમાં વસ્તી વધારો, અનિયંત્રિત વિકાસ અને તંત્રની બેદરકારીને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની છે. ખાસ કરીને વરાછા, પાલ અને આસપાસના વિસ્તારોમાં લોકો રોજ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે.

ભાજપના જ બે જનપ્રતિનિધિઓ તરફથી આવેલા આ આક્રોશને કારણે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે. હવે જોવાનું એ રહ્યું છે કે, આ અલ્ટીમેટમ પછી તંત્ર કેટલી ત્વરિત કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: 164 તાલુકાના વરસાદની ધબધબાટી, અમરેલીના 3 તાલુકામાં 27 ઈંચ વરસાદ, 5 તાલુકામાં શાળામાં રજા

Back to top button