સુરત : કતારગામમાં AAPની જનસભામાં પથ્થરમારો, એક બાળક ઈજાગ્રસ્ત
સુરતમાં ફરી એકવાર ચૂંટણીમાં ટિકળખોરી સામે આવી છે. કતારગામ વિસ્તારમાં આજે રાત્રીના સમયે આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી જેમાં કોઈ આવારાતત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક બાળકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી.
ગોપાલ ઈટાલીયા બાળકને હોસ્પિટલ લઈ ગયા
મળતી માહિતી મુજબ, કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઇ રહી હતી. પ્રદેશ પ્રમુખ તેમાં ભાષણ આપી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક બાળકને છૂટા પથ્થરનો ઘા વાગતા તેને આંખમાં ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગે જાણ થતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા પોતે બાળકને લઈને હોસ્પિટલ દોડી ગયા હતા.
સ્થાનિક પોલીસ દોડી ગઈ, અગાઉ પણ માથાકૂટ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, પથ્થરમારાની ઘટનાની પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. મહત્વનું છે કે, જેતરમાં સુરતમાં સરથાણાના યોગી ચોકમાં AAP અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. AAP અને ભાજપના કાર્યકરોએ એક બીજા પર પથ્થરના છૂટા ઘા ઝીંકયા હતા. ઉપરાંત પથ્થરમારો કરી AAP અને ભાજપના કાર્યકરોએ કારોમાં તોડફોડ કરી હતી.