રક્ષાબંધન માટે સુરત SMC એ બહેનોને આપી ખાસ ભેટ


રક્ષાબંધન પર દરેક ભાઈ પોતાની બહેનને કોઈને કોઈ ભેટ આપતા હોય છે. ત્યારે આ વખતે સુરત મહાનગર પાલિકા દ્વારા મહિલા અને 15 વર્ષ સુધીના બાળકોને માટે અનોખી ભેટ લઈને આવ્યું છે. જેમાં રક્ષાબંધન પર બહેનો પોતાના ભાઈને મળવા માટે જતાં હોય અને ત્યારે BRTS નો ઉપયોગ કરશે તો તેને એક પણ રૂપિયો ચુકવવાનો રહેશે નહીં. તેમજ તેની સાથે રહેલા 15 વર્ષ સુધીના બાળકનો પણ કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
કેમ આવો નિર્ણય લેવામાં આવ્યો ?
અગાઉ પણ સુરત મનપા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હતું. રક્ષાબંધનના દિવસે મહિલાઓ શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેતા તેમના ભાઈઓના ઘરે જતી હોય છે. ખાનગી વાહનમાં જાય તો તેમને ખર્ચ થતો હોય છે. જેથી રક્ષાબંધનનો તહેવાર મહિલાઓ ખૂબ જ આનંદથી ઉજવે અને તેઓ પોતાના ભાઈને મળવા માટે સરળતાથી જઈ શકે તેના માટે કોર્પોરેશન દ્વારા શહેરની તમામ મહિલાઓ માટે સિટી બસ અને BRTS બસની એક દિવસ માટેની મુસાફરી વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી છે.
આ નિર્ણય અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે કોરોનાકાળ બાદ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો માટે અમે ખાસ આગ્રહ રાખે છે કે તેઓ પોતાના ભાઈના ઘરે શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. તેમને ખર્ચ ન થાય તેના માટેની સુવિધા કરવી જરૂરી છે. સંપૂર્ણ એક દિવસ માટે રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને તેમના બાળકો જેમની ઉંમર 15 વર્ષ સુધીની છે. તેમણે એક પણ રૂપિયો ચૂકવ્યા વગર કોર્પોરેશનના માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આનંદ સાથે જણાવજો કે લાખોની સંખ્યામાં મહિલાઓ આ દિવસે સિટી બસ અને BRTS બસનો ઉપયોગ કરે છે અને આ નિર્ણયનો લાભ લે છે.