સુરતઃ સ્માર્ટ મીટરએ જનતાને લૂંટવાનું સ્માર્ટ આયોજન છે? જાણો શું કહ્યું SMC નાં વિરોધ પક્ષે
સુરત 25 મે 2024: સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયા, કોર્પોરેટરો જીતેન્દ્રભાઈ કાછડીયા અને શોભનાબેન કેવડિયાએ પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં મિટિંગોનો દોર ચાલુ કરી દીધો છે. જેમાં છેલ્લા 3-4 દિવસમાં ભૂમિપાર્ક સોસાયટી,રાજલક્ષ્મી સોસાયટી,હરેકૃષ્ણ સોસાયટી,સકર્તા સોસાયટી,અમીપાર્ક સોસાયટી,રાણુંજાધામ સોસાયટી, ગૌતમપાર્ક સોસાયટી,રાધાસ્વામી સોસાયટી, સરદાર કોમ્પલેક્ષ, લક્ષ્મીપાર્ક સોસાયટી,રાધાસ્વામી એપાર્ટમેન્ટ,માતૃશક્તિ સોસાયટીમાં મિટિંગો કરી ચુક્યા છે. દરરોજ પુણા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં સ્માર્ટ મીટર મુદ્દે મિટિંગો કરીને સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં સોસાયટીઓના લેટરપેડ ઉઘરાવવામાં આવી રહ્યા છે અને લડાઈમાં સમર્થન મેળવવામાં આવી રહ્યું છે.
સ્માર્ટ મીટરએ જનતાને લૂંટવાનું સ્માર્ટ આયોજન: પાયલ સાકરીયા
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું કે, સ્માર્ટ મીટરએ જનતાને લૂંટવાનું સ્માર્ટ આયોજન છે.સ્માર્ટ મીટરના ફાયદામાં એકજ ફાયદો જણાવવામાં આવી રહ્યો છે જે છે વીજ ચોરી રોકી શકાશે તો શું સમગ્ર જનતાને આ સરકાર ચોર સમજી રહી છે? જે વીજચોરી કરે છે એને પકડોને શા માટે આખા રાજ્યની પ્રજાને સજા આપો છો? તેવો વેધક પ્રશ્ન પાયલ સાકરીયાએ તંત્રને કર્યો હતો.
સ્માર્ટ કરવું જ હોય તો પહેલા સિસ્ટમને સ્માર્ટ કરો: જીતેન્દ્ર કાછડીયા
કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, લોકોનો ઠેરઠેર વિરોધ અને વધારે બિલો આવવાની ફરિયાદો હોવા છતાં શા માટે આ મીટરો લગાવવામાં આવી રહ્યા છે? જો સ્માર્ટ કરવું જ હોઈ તો પહેલા સિસ્ટમને સ્માર્ટ કરવામાં આવે થોડોક પવન કે થોડોક વરસાદ પણ આવે ત્યાં પાવર કટ થઈ જાય છે.પાવર કટ થયા પછી ટોલ ફ્રી નંબરોમાં કોલ ઉપાડવામાં આવતા નથી. ગામડાઓમાં ખેડૂતોને અડધી રાતે પાવર મળે ત્યારે પાણી પાવા જવું પડે છે તો ત્યાં સિસ્ટમને સ્માર્ટ કરો.
લોકોમાં સ્માર્ટ મીટર સામે ખૂબ જ રોષ: શોભના કેવડિયા
શોભનાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે, જનતાને લૂંટવાનું ભાજપ સરકાર જે ષડયંત્ર કરીને સ્માર્ટ મીટર લગાવી રહી છે તેની વિરુદ્ધમાં અમે ગુજરાતની જનતાની સાથે છીએ અને સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં મજબૂતીથી લડત આપીશું. અમે જે જે સોસાયટીઓમાં જઈએ છીએ ત્યાં લોકોમાં સ્માર્ટ મીટર સામે ખૂબ જ રોષ છે અને લોકો આ સ્માર્ટ મીટર નહિ લગાવવા દેવા માટે મક્કમ છે.
અત્રે નોંધનીય છે કે ગુરુવારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાના હિતમાં દરેક જિલ્લામાં સ્માર્ટ મીટર રદ કરવા અને 300 યુનિટ વીજળી ફ્રી આપવા માટે આવેદન પત્ર આપી રજુઆત કરી છે.