સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મનો વિવાદઃ નિર્ણય આવતીકાલ પર મુલતવી
- સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયાની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું
- કોંગ્રેસ ઉમેદવાર વકીલ સાથે પહોંચ્યા કલેક્ટર કચેરી, માગ્યો 24 કલાકનો સમય
- ચૂંટણી અધિકારી આવતી કાલે 11 વાગ્યે ફોર્મ મુદ્દે કરશે સુુનાવણી
સુરત, 20 એપ્રિલ: ગુજરાતની સુરત લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં કોંગ્રેસ પક્ષમાં થોડા કલાક માટે તંગદિલી જેવું વાતાવરણ થઈ ગયું હતું અને પક્ષના ટોચના નેતાઓએ ભાજપ ઉપર કાવતરાંના આક્ષેપ પણ શરૂ કરી દીધા હતા.
વાસ્તવમાં બન્યું એવું કે, 19 એપ્રિલ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યાર બાદ આજે (20 એપ્રિલ) ફોર્મ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયાના સમાચાર સોશિયલ મીડિયામાં અનેક જગ્યાએ ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રશ્ન સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે, ‘મારું ફોર્મ રદ થયું નથી.’ નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે આવતીકાલે સવારે 11 વાગ્યે કલેક્ટર સમક્ષ સુનાવણી થશે. સુનાવણીમાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો છે.
વિવાદિત ફોર્મ મુદ્દે આવતીકાલે 11 વાગ્યે સુનાવણી
સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદના સમાચાર બાદ કુંભાણી વકીલ સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. ત્યાર બાદ નિલેશ કુંભાણીના વકીલે કોંગ્રેસને એક દિવસનો સમય આપ્યો હોવાનો દાવો કર્યો છે. વકીલે કહ્યું કે અમારી રજૂઆત સાંભળીને પછી અધિકારી નિર્ણય કરશે. આ સાથે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો વકીલે દાવો કર્યો છે. ચૂંટણી અધિકારીએ નોટિસ આપતાં કોંગ્રેસે સમય માગ્યો છે. આવતીકાલે સવારે 11 વાગ્યે વિવાદિત ફોર્મ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે.
કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયાની ચર્ચાએ કેમ જોર પકડ્યું?
ગુજરાત કોંગ્રેસ દ્વાર સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેમણે ટેકેદારો સાથે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હવે ફોર્મ ભર્યાની તારીખ પૂરી થયા પછી આજે (20 એપ્રિલ) ફોર્મ ચેકિંગ ચાલી રહ્યા હતા આ વચ્ચે સુરત બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું. વાત એવી છે કે, કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારીપત્રમાં દર્શાવેલી ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો આક્ષેપ કરાયો છે. આ કારણે તેમનું ફોર્મ રદ થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
કોણે ઉઠાવ્યો વાંધો?
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી ખોટી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો હતો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરાયો હતો. જે અંગે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ચાલુ હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે આવતીકાલે સવારે 11 વાગ્યે ફોર્મ મુદ્દે કલેક્ટર સમક્ષ સુનાવણી થશે. સુનાવણીમાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો છે.