સુરત પોલીસે CCTV કેમેરાના ઉપયોગથી દોઢ વર્ષમાં 49 જેટલા લોકોને આપઘાત કરતા બચાવ્યા
સુરત, 4 જાન્યુઆરી 2023, ગુજરાતમાં આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે. પારિવારિક ત્રાસ, ઘરકંકાસ અને બેરોજગારીથી કંટાળીને હતાશ થયેલા લોકો પોતાનું જીવન ટુંકાવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે સીઆઈડી ક્રાઈમના સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપઘાત કર્યા પહેલાં વીડિયો કે પોસ્ટ અપલોડ કરનાર વ્યક્તિઓના જીવ બચાવવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ટી બુલીંગ યુનિટ(ABU) દ્વારા સાયબર ક્રાઈમે રાજ્યમાં ચાર લોકોના જીવ બચાવ્યા હતાં. ત્યારે સુરત પોલીસે એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઈનની સુવિધા થકી દોઢ વર્ષમાં 49 જેટલા લોકોના જીવ બચાવ્યા છે.
કંટ્રોલરૂમ શરૂ કરી તેમાં સ્પેશિયલ ટીમ બેસાડવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત પોલીસ પાસે ગુનાખોરીને ડામવા અને ગુનેગારોને પકડવા શ્રેષ્ઠ CCTV નેટવર્ક છે. આ નેટવર્ક હવે માત્ર ગુનેગારોને પકડવા માટે કે ટ્રાફિક જામની સ્થિતિને કંટ્રોલ કરવા પુરતુ જ નથી રહ્યું. હવે આ નેટવર્ક લોકોને બચાવવા માટે પણ ઉપયોગી બની રહ્યું છે. આ CCTV નેટવર્કની મદદથી સુરત પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોને આત્મહત્યા કરતા બચાવ્યા છે. આવી ઘટનાઓને અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઈનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના માટે એક ખાસ કંટ્રોલરૂમ શરૂ કરી તેમાં સ્પેશિયલ ટીમ બેસાડવામાં આવી છે.
સુરત પોલીસ શહેરીજનો માટે ખરા અર્થમાં દેવદૂત બની
પોલીસે શરૂ કરેલા આ કંટ્રોલ રૂમમાં કોલ કરનારનું સૌ પ્રથમ લોકેશન અને ડિટેઈલ મેળવવામાં આવે છે. ત્યાર બાદ કોલ જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે વિસ્તારની પોલીસ સ્થળ પર પહોંચી જાય છે અને આપઘાત કરનારનો જીવ બચાવી લે છે. ઘણી ઘટના ઓમાં પોલીસ દ્વારા એક તબીબની જેમ આત્માહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું સ્થળ પર જ કાઉન્સિલિંગ કરી તેને જીવન જીવવાની શીખ આપવામાં આવે છે. બીજી બાજુ અહીં કન્ટ્રોલ રૂમમાં લાગેલા CCTV કેમેરાનો ઉપયોગ કરી સુરત શહેરના તમામ બ્રિજ પર પણ વોચ રાખવામાં આવે છે.જેનાથી કોઈ વ્યક્તિ જો કોઈ વાર બ્રિજ પરથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક તેની હિલચાલ જોઈ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેનો જીવ બચાવી શકાય છે.
આ પણ વાંચોઃ ગુજરાત સહિત દેશમાં નાગરિકોના આપઘાતનો આંકડો જાણી રહેશો દંગ