જાહેર રસ્તા પર ફટાકડા ફોડનારની ખેર નહિ, સુરત પોલીસે આપી ચેતવણી
સુરત, 28 ઓકટોબર, દિવાળી પર્વ પર મોટાભાગના લોકો ખુશીના ભાગરૂપે ફટાકડા ફોડતા હોય છે. પરંતુ આ ફટાકડા ફોડવાના કારણે મોટાભાગે રોડ રસ્તા પર રહેતા પ્રાણીઓને મોટુ નુકસાન થાય છે. હાઈ ડેસિબલ ફટાકડા ફોડવાથી તેઓની મેન્ટલ હેલ્થને ભારે નુકસાન પહોંચે છે. ત્યારે શહેરમાં જાહેર રસ્તા પર આતિશબાજી અને રોકેટ ફોડનાર લોકોને સુરત પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જો લોકોને હેરાનગતિ થાય તેવી આતિશબાજી કરવામાં આવશે તો તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે.
દિવાળી એ હર્ષોલ્લાસનો તહેવાર છે. આ દિવસે નાના-મોટા સૌ કોઈ લોકો ફટાકડા ફોડીને ઉત્સવની ઉજવણી કરતા હોય છે. પરંતુ ફટાકડા વગર દિવાળીની મજા અધૂરી છે. જોકે ફટાકડા ફોડવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન તો થાય જ છે, સાથે સાથે પશુઓ અને પક્ષીઓને પણ હાનિ પહોંચે છે. જેના લીધે સુરત પોલીસ દ્વારા મહત્વના નિયમ જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમ માત્ર ફટાકડાના દુકાનો ચલાવનાર લોકો માટે જ નહીં, પરંતુ સુરત શહેરના લોકો માટે પણ છે. અત્યાર સુધીમાં 100 જેટલા ફટાકડાની દુકાન માટે સુરત પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી છે. ગ્રીન ફટાકડા વેચવા અને ખરીદવા માટેની અપીલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. . પ્રદૂષણ કરનાર ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે અને ખાસ કરીને ચાઈનીઝ ફટાકડા અને તુંકકલ પર પ્રતિબંધ ફરમવાયો છે. પરવાના વગર ફટાકડાની દુકાન લગાવી શકાશે નહીં.
લોકો જાહેર રસ્તા પર ફટાકડા અને આતિશબાજી કરે છે. રસ્તા પર રોકેટ ઉડાવે છે, જેના કારણે અનેક લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થાય છે અને કેટલાક લોકો દાઝી પણ જાય છે. આ વખતે આવી હરકત કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જાહેર રસ્તા પર રોકેટ ઉડાવવા અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસ્તા પર બેસીને ફટાકડા ફોડનાર લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ જાહેર રસ્તા પર બેસીને ફટાકડાનો વેચાણ ન કરે. દુકાનદારે ડિકલેરેશન, ફાયર એનઓસી, ટ્રાફિક એનઓસી, લોકલ પોલીસ એનઓસી મેળવવાની રહેશે. રોડ પર ફેરિયાઓ ફટાકડા વેચી શકશે નહીં. મનપા અને ટ્રાફિક પોલીસ દેખરેખ રાખશે.
આ પણ વાંચો…અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, આ સમય દરમિયાન નહિ ફોડી શકો ફટાકડા