સુરત પોલીસે હત્યારાને દબોચવા ડોનના ગઢ વાસેપુરમાં સાત દિવસ રિક્ષા ચલાવી
સુરત, 2 જાન્યુઆરી, 2024, બોલિવૂડમાં કોલ માફિયા પર બનેલી ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર તમે જોઈ જ હશે. આ ઝારખંડના વાસેપુરમાં ગેંગસ્ટરના ગઢમાંથી જ સુરત PCB પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. વાસેપુરમા છેલ્લા 19 વર્ષથી રહેતા 21 વર્ષ જૂના સુરતના હત્યાના આરોપીને પોલીસ જીવના જોખમે પકડી લાવી હતી. ઝારખંડના વાસેપુરમાં સ્થાનિક પોલીસ પણ દરોડા કરવા જતી નથી. ત્યારે સુરતની પોલીસ અહીં વેશપલટો કરી આરોપીને ડોનના ગઢમાંથી ઊંચકી લાવી હતી. આરોપીને પકડવા માટે પોલીસે અહીં સાત દિવસ સુધી રિક્ષા ભાડે લઇ ચલાવી આરોપી પર સતત વોચ રાખી હતી. એક સાંજે આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા જ પોલીસ ગુપચુપ ઊંચકીને તેને સીધી સુરત જ લઇ આવી હતી.
હત્યા કરી આરોપી ઉમર અન્સારી ફરાર થઈ ગયો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાં હત્યા કરી આરોપી ઉમર અન્સારી ફરાર થઈ ગયો હતો. જેને પકડવા પોલીસે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ હાથ આવ્યો ન હતો. આખરે PCB પોલીસે આરોપીને ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી દબોચી પડ્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ફરાર અંતર્ગત હત્યાના કેસમાં 21 વર્ષથી ફરાર ઉમર અન્સારીને પકડવા DCB અને PCB સહિતની ટીમ વર્કઆઉટ કરી રહી હતી. જેમાં સુરત PCB પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક લુણી અને તેની ટીમ છેલ્લા 3થી 4 મહિનાથી આ આરોપીને પકડવા પર વર્કઆઉટ કરી રહી હતી.
ડોન પ્રિન્સખાનના વિસ્તારમાં સ્થાનિક પોલીસ પણ જતી નહોતી
આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને આરોપી ઉમર અન્સારી ઝારખંડના વાસેપુરમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે PCB PI રાજેશ સુવેરા દ્વારા આ માહિતીને વર્કઆઉટ કરી આરોપીને પકડવા માટે અશોક લુણી સાથે 4 પોલીસ કર્મીઓની એક ટીમ વાસેપુર મોકલી હતી. અહીં પહોંચેલી ટીમે જ્યારે સ્થાનિક પોલીસની મદદ માંગી ત્યારે અહીની પોલીસ તેમની સામે આશ્ચર્યથી તાકી રહી હતી અને આ વિસ્તારમાં ન જવા માટે જણાવી રહી હતી. કારણ કે આરોપી વાસેપુરમાં રહેમત ગંજમાં રહેતો હતો. આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન પ્રિન્સખાન ઉર્ફે છોટા સરકારનું ઘર હતું. અહી કોઈપણ આરોપીને પકડવા સ્થાનિક પોલીસ પણ દરાડો કરવાની હિંમત કરતી ન હતી.
સુરત પોલીસે જીવના જોખમે આરોપીને પકડી લીધો
જોકે અશોક લુણી અને તેમની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની આ સૂચનાને અવગણી જીવના જોખમે આરોપીને પકડવા ત્યાં રોકાઈ ગઈ હતી. આરોપી અહીં ફાઇનાન્સનો ધંધા કરતો હતો. આ સાથે અહીં 10 કરતાં વધુ રિક્ષાઓનો માલિક હતો.તેને શોધવા પોલીસે પણ વેશપલટો કર્યો હતો. પોલીસ પોતે પણ સ્થાનિક રિક્ષાચાલક બની હતી અને બે રિક્ષાઓ ભાડે લઈ બે શિફ્ટમાં તેના ઘરની આસપાસ રિક્ષા ફેરવતી રહેતી હતી. પોલીસ આ વિસ્તારમાં એક અઠવાડિયા સુધી રોજ રિક્ષાના ફેરા લગાવતી રહી હતી. દરમિયાન તે ઘરની બહાર વોક માટે નીકળતાં જ તેને દબોચી લીધો હતો. એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર બારોબાર સુરત તરફ દોટ મૂકી હતી.
આરોપીએ હત્યા કરીને બોડી સળગાવી નાખી
પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત લાવી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 2003માં ઉધનામાં રહેતા દયાશંકર શિવચરણ ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. દયાશંકર સાથે તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મીરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની સાથે કોઇ બાબતે ઝઘડો થયો હતો, ત્યારે મિત્ર મહેરાજ ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી અને મોહમંદ ઉમર ઉર્ફે અમર અબ્દુલરસિદ અંસારી દ્વારા ભેગા મળી દયાશંકર શિવચરણ ગુપ્તાને દારૂ પીવડાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ આરોપીઓ પોતાના વતન ખાતે ભાગી ગયા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતના 14 જિલ્લામાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બન્યા