ગુજરાતબિઝનેસ

200 કરોડના GST કૌભાંડ મામલે સુરત પોલીસ કમિશનરે કર્યા મોટા ખુલાસા

સુરત ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાંથી રૂ.200 કરોડનું GST કૌભાંડ સામે આવ્યું હતું. સુરત પોલીસે તેનો પર્દાફાશ કરી અત્યારસુધીમાં 14 લોકોની ધરપકડ કરી હતી. તેવામાં આજે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ મામલે મોટા ધડાકા કરવામાં આવ્યા છે. જેમાં કંઈ રીતે ? કોના દ્વારા ? આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું તેમજ તેના સૂત્રધારો કોણ છે.

શું કહ્યું સુરત સીપી અજય તોમરે ?

મળતી માહિતી મુજબ, આ મામલે સુરત પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સુરતની ઇકો સેલ દ્વારા રાજ્યમાં સૌથી મોટા જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં સુરત ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાંથી 200 કરોડથી વધુનું જીએસટી ચોરીનું કૌભાંડ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. બોગસ બિલિંગની બાતમીને લઇને સુરત પોલીસ દ્વારા સુરત, ભાવનગર, અમદાવાદ, મોરબી અને રાજકોટ સહીતના શેહરોમાં ‘ઓપરેશન GST’ ના નામે દરોડા પાડી તાપસ હાથ ધરવામાં આવી હતી. આમ તપાસમાં અત્યાર 1260 બોગસ બિલિંગ થકી 170 કરોડનો ઇનપુટ ક્રેડિટ મેળવી સરકારને ચૂનો ચોપડયો હોવાનું સામે આવ્યું છે. વધુમાં DGVCL અને ટોરેન્ટોના બોગસ બિલિંગ કરીને કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું પણ ઉઘાડું પડ્યું છે.

કોણ છે આરોપીઓ ? શું મુદ્દામાલ કબ્જે કરાયો ?

વધુમાં તોમરે જણાવ્યું હતું કે, આલમ શેખ, સુફિયન કાપડિયા, ઉસ્માન બગડા આ પ્રકરણના મુખ્ય સુત્રધાર છે. જેમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઑ પાસેથી 16 લેપટોપ, 25 મોબાઇલ, બે હાર્ડ ડિસ્ક 24 ATM કાર્ડ રબર સ્ટેમ્પ 69 કબ્જે કરાયા છે. તમામ પેઢીમાં ડમી વ્યકિતઓના નામ, ફોટાનો ઉપયોગ કરી નકલી પેઢીના નામે GST નંબર મેળવ્યો હોવાનું જણાય આવ્યું હતું. ઇકોસેલ દ્વારા સુરતથી ઝડપી પાડેલ આઠ જેટલી ડમી કંપનીઓની ખરાઈ કર્યા બાદ તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ડમી પેઢીઓના નામે GST લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. ડમી પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સરકાર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી હતી.

આરોપીઓના રિમાન્ડ દરમ્યાન થઈ શકે છે અનેક ખુલાસા

હાલ સીપી તોમરે જણાવ્યું હતું કે આ આરોપીઓના રીમાન્ડ મેળવાયા છે. તેઓની પૂછપરછમાં સામે આવશે કે તેઓ આ કૌભાંડમાં આટલા લોકો જ સામેલ હતા કે અન્ય કોઈ પણ છે ? વધુમાં કેટલા સમયથી કૌભાંડ આચરવામાં આવતું હતું અને અન્ય કોઈ કૌભાંડ કરવામાં આવ્યું છે કે નહીં ? તેની પણ માહિતી સામે આવી શકે છે.

Back to top button