સુરત પીઆઇની સરાહનીય કામગીરી : મુકબધિર યુગલનું લગ્ન કરવાનું સપનું કર્યુ સાકાર
લોકોની સેવા માટે સજ્જ પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરીના અનેક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આજે સુરત પોલીસનો વધુ એક સરાહનીય કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત રાંદેર પીઆઇએ આર્થિક રીતે અસક્ષમ મુકબધિર યુવક-યુવતીના લગ્ન કરાવીને માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
આ પણ વાંચો :સુરત: આચારસંહિતાના ભંગ કરતા ભાજપ કોર્પોર્ટરની કરાઈ અટકાયત
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત રાંદેર પોલીસ મથકના પીઆઇને માહીતી મળી હતી કે રાંદેરમા એક મુકબધિર યુવક-યુવતી લગ્ન કરાવા ઇચ્છે છે. પરંતુ તેમની પાસે લગ્ન માટે પૈસા નથી. જેથી રાંદેર પોલીસ મથકના પીઆઇએ આ યુવક- યુવતીની મદદ માટે પહોંચી ગયા હતા અને તેમના લગ્નનો તમામ ખર્ચ પોતે ઉપાડી મુકબધિર યુવક યુવતીના લગ્ન કરાવ્યા હતા.
અભ્યાસ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા
સુરતના રાંદેર આંબેડકર નગર વિસ્તારમાં રહેતી 19 વર્ષિય યુવતી સુમન બોલી કે સાંભળી શકતી નથી. મુકબધિર શાળામાં અભ્યાસ દરમિયાન સુમનની મુલાકાત પાંડેસરા ખાતે રહેતા 22 વર્ષીય ચિરાગ પટેલની સાથે થઇ હતી અને ત્યારથી બંન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. તે બાદ ઘણા સમયથી તે બંને લગ્નગ્રંથિથી જોડાવવા ઈચ્છતા હતા. પરંતું તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી, જેથી તેઓ લગ્ન કરી શકતા નહોતા.
યુવતીએ શી ટીમ પાસે માંગી હતી મદદ
આ મુકબધિર યુવક-યુવતી એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી તેમના લગ્ન જીવનનું સપનું સાકાર કરવું મુશ્કેલ લાગતું હતું. જેથી આ યુવતીએ આખરે મહિલાઓ માટે કામ કરતી શી ટીમની પાસે મદદ માંગી હતી. સુમને મહિલા પોલીસને આ બાબતે સમગ્ર હકીકત જણાવી હતી. જેથી આ ટીમનાં મહિલા પોલીસ મમતાબેને રાંદેર પીઆઈ અતુલ સોનારાનો સંપર્ક કર્યો હતો.
પીઆઈએ લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો
રાંદેર પીઆઈ અતુલ સોનારાએ યુવતીની પરિસ્થિતિ વિશે જાણી જાતે જ તેના લગ્ન ધામધુમથી કરાવવાનું નક્કી કર્યું હતું. જેથી રાંદેર પોલીસે વાજતે ગાજતે આ યુગલના લગ્ન માટેની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી હતી અને આજે રાંદેરના મહાદેવના મંદિરમાં લગ્ન કરાવી આ મુકબધિર યુગલનું લગ્ન ગ્રંથિથી જોડાવાનું સ્વપ્ન રાંદેર પોલીસે પુરુ કર્યું છે. આ મુકબધિર યુવક યુવતીના લગ્ન સમારોહમાં રાંદેર પોલીસ મથકની ટીમ જાનૈયા તરીકે હાજર રહી હતી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજર રહી દંપતીને આશીર્વાદ આપ્યા હતા.
અતુલ સોનારાએ દિકરીનું કન્યાદાન કર્યું
અતુલ સોનારાએ જણાવ્યું હતુ કે, ‘મારે બે દીકરા છે પરંતુ કોઈ દીકરી નથી. જેથી આ દીકરીનું કન્યાદાન મેં અને મારી પત્નીએ કર્યું છે અને અમે આ દિકરીના લગ્ન ખુબ ધામધુમથી કરાવવા ઇચ્છતા હતા, તેથી ચૂંટણી પછીનું મુહૂર્ત રાખ્યું હતું.’