ગુજરાતટ્રેન્ડિંગ

સુરત: સિંગાપોરમાં વર્કવિઝાની લાલચે લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા

  • વેર હાઉસમાં પેકેજીંગની 3000 થી 3500 ડોલરની નોકરીની બાંહેધરી આપી
  • યોગીચોક સ્થિત સ્કાય વે ઈન્ટરનેશનલના બે સંચાલકે રૂ.4.50 લાખ લીધા
  • ગૃહિણીએ બંને એજન્ટ વિરુદ્ધ રૂ.15 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ગૃહિણીને સિંગાપોરમાં નોકરી માટે વિઝા કરી આપવાના બહાને સરથાણા યોગીચોક સ્થિત સ્કાય વે ઈન્ટરનેશનલના બે સંચાલકે રૂ.4.50 લાખ લીધા બાદ કામ નહીં કરી આપી પૈસા પણ પરત કર્યા ન હતા.

ગૃહિણીએ બંને એજન્ટ વિરુદ્ધ રૂ.15 લાખની ઠગાઈની ફરિયાદ કરી

બંને એજન્ટે અન્ય ત્રણ વ્યક્તિ પાસેથી પણ વિઝા કરી આપવાના બહાને પૈસા પડાવ્યા હોઇ ભોગ બનેલા તમામ વતી ગૃહિણીએ બંને એજન્ટ વિરુદ્ધ રૂ.15 લાખની ઠગાઈની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.

વેર હાઉસમાં પેકેજીંગની 3000 થી 3500 ડોલરની નોકરીની બાંહેધરી આપી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ લલીતા ચોકડી પાસે રણછોડજી પાર્ક સોસાયટી બી/39 માં રહેતા અને ઉત્રાણ ખાતે આઈટી કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ કરતા જેનીશભાઇ રમેશભાઇ કદમના 32 વર્ષીય પત્ની નેન્સીબેનને વર્ષ અગાઉ સિંગાપોરમાં નોકરી માટે જવું હોય તેના વિઝા કરાવવા માટે મિત્ર વિજય કડવાણીને વાત કરતા તેણે સરથાણા યોગીચોક સિલ્વર પોઈન્ટ દુકાન નં.105 માં સ્કાય વે ઈન્ટરનેશનલના નામે ઓફિસ ધરાવતા વિરલ લીંબાણી અને ઋત્વિક રીબડીયાનો સંપર્ક કરવા કહ્યું હતું. આથી નેન્સીબેન તેમના પતિ સાથે ત્યાં ગયા હતા. વિરલ અને ઋત્વિકે તેમને ત્રણ મહિનામાં વિઝા કરાવી આપવાની વાત કરી ત્યાં વેર હાઉસમાં પેકેજીંગની 3000 થી 3500 ડોલરની નોકરીની બાંહેધરી આપી તેની પ્રોસેસ માટે રૂ.7.50 લાખ માંગ્યા હતા.

નેન્સીબેને પોતાના ડોક્યુમેન્ટ આપ્યા બાદ ટુકડેટુકડે તેમને રૂ.4.50 લાખ આપ્યા

નેન્સીબેને પોતાના ડોક્યુમેન્ટ આપ્યા બાદ ટુકડેટુકડે તેમને રૂ.4.50 લાખ આપ્યા હતા. જોકે, કામ ચાલુ છે કહી સમય પસાર કરી બાદમાં તેમણે ઓફિસ બંધ કરી દીધી હતી. ત્યારબાદ બંનેએ નેન્સીબેનને વરાછા મીનીબજારમાં મળવા બોલાવી કહ્યું હતું કે અમે તમારા વિઝા માટે ઉપર પૈસા આપ્યા હતા તે ઉઠી ગયા છે. આથી તમારા વિઝાનું કામ નહીં થાય. તમે આપેલા પૈસા પહેલી જૂન સુધીમાં આપી દઈશું. પણ ત્યાર બાદ તેમણે પૈસા આપ્યા નહોતા. બંનેએ નેન્સીબેન ઉપરાંત જીગર અશોકભાઇ રાણા પાસેથી રૂ.4.50 લાખ, ધવલભાઇ પ્રવિણભાઇ મહેતા પાસેથી રૂ.3 લાખ, વિકાસ રાજેન્દ્રસીંગ પાસેથી પણ રૂ.3 લાખ લઈ તેમને પણ વિઝા કરી નહીં આપી પૈસા પરત કર્યા નહોતા. આ અંગે નેન્સીબેને સરથાણા પોલીસ મથકમાં બંને એજન્ટ વિરુદ્ધ અરજી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ગાયક વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ, 7 લોકો સામે ફરિયાદ

Back to top button