સુરત: RTE હેઠળ ખોટા પુરાવા મામલે વાલી સામે ગુનો નોંધવાનો આદેશ
- અનેક જરૂરિયાતમંદ બાળકો પોતાના અધિકારથી વંચિત રહી જાય છે
- વાલીઓ પોતે લખપતિ હોવા છતાં આવકના દાખલામાં ઓછી કિંમત લખાવી
- 68 વાલીઓ સામે DEO દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ
રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ દરેક બાળકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુસર સરકાર દ્વારા 25 ટકા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બાળકોની ફી સરકાર ચૂકવે છે.
અનેક જરૂરિયાતમંદ બાળકો પોતાના અધિકારથી વંચિત રહી જાય છે
ઉલ્લેખનીય છે કે કેટલાક વાલીઓ દ્વારા ખોટા પુરાવા રજૂ કરી પોતાના બાળકોનું એડમિશન મેળવવાના કારણે અનેક જરૂરિયાતમંદ બાળકો પોતાના અધિકારથી વંચિત રહી જાય છે. હાલ, સુરત શિક્ષણાધિકારી દ્વારા આવા વાલીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરતમાં ખોટા આવકના દાખલા બનાવી ગેરકાયદે બાળકોનો પ્રવેશ મેળવનાર 100 જેટલાં વાલીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાંથી 68 વાલીઓ સામે DEO દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
વાલીઓ પોતે લખપતિ હોવા છતાં આવકના દાખલામાં ઓછી કિંમત લખાવી
શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું કે, અનેક વાલીઓ પોતે લખપતિ હોવા છતાં આવકના દાખલામાં ઓછી કિંમત લખાવી હતી. તપાસમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલાં વિદ્યાર્થીના વાલી નિયત આવક મર્યાદા કરતાં વધુ કમાણી ધરાવતાં હતાં. જેમાંથી કેટલાંક વાલી 74 લાખની હોમલોન ભરી રહ્યા છે. ત્યારે કેટલાંક વાલીઓ સાડા ચાર લાખ રૂપિયાનું રિટર્ન ભરી રહ્યા છે. પરંતુ, આવકના દાખલામાં પોતાની આવક ઓછી દર્શાવી ગેરકાયદે પોતાના બાળકોનું એડમિશન લઈ લીધું છે.
આ પણ વાંચો: કોલ્ડપ્લે કોન્સર્ટના પગલે મુંબઈ-અમદાવાદ એરફેર રૂ.22000ને પાર, ટ્રેનમાં વેઈટિંગ