ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી સુરતીઓને છેતરવા આવેલા 3 ઝડપાયા

Text To Speech

સુરત, તા.15 ડિસેમ્બર, 2024: ડાયમંડ નગરી સુરતમાં ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી સુરતીઓને છેતરવા આવેલા મહારાષ્ટ્રના 3 ઈસમો પકડાયા હતા. પોલીસે મળેલી બાતમીના આધારે મુંબઈથી નકલી નોટોની ડિલિવરી આપવા આવેલા ત્રણ યુવાન 500 અને 200ની 63872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 500ની અસલી 86 નોટ, રૂપિયા 200ની અસલી 42 નોટ, મનોરંજન બેંક, બચ્ચા બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની 500ની 42914 અને 200 ની 20958 નોટ કબજે કરી હતી.

નિયોલ ચેક પોસ્ટ પાસેથી ચાલતા ચાલતા સુરત તરફ આવતા હતા

સારોલી પોલીસને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે સાંજે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ચાલતા ચાલતા સુરત તરફ આવતા ત્રણ યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની જડતી લેતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળ્યા હતા. બેંકમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટીક વીંટાળેલું હોય તે રીતે વીંટાળેલા પ્લાસ્ટીકમાંથી મળેલા બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેંક, બચ્ચા બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નોટ વ્યવસ્થિત મુકેલી હતી.

ત્રણેયની પુછપરછ કરતા દત્રાત્રેય રોકડેએ જણાવ્યું હતું કે અહમદનગરના બુરડગાંવમાં રહેતા રાહુલ મહાદેવ કાલેએ અઠવાડિયા અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી મોટી માર્કેટ આવેલી હોય ત્યાં રૂપિયા 500 અને 200 રૂપિયાની અસલ નોટ ઉપર અને નીચે મૂકી વચ્ચે નકલી નોટોના બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું.

રાહુલે તેમને માર્કેટમાં મોટા વ્યવહારોમાં આ બંડલો ફરતા કરી સરખે હિસ્સે નફો આપવાનું પણ કહ્યું હતું અને ડિલિવરી પેટે 10 હજાર રૂપિયા કમિશન આપવા કહ્યું હતું. ત્રણેય લકઝરી બસમાં સુરત આવ્યા હતા અને નિયોલ ચેક પોસ્ટ પહેલા ઉતરી ચાલતા ચાલતા સુરત તરફ આવતા હતા. ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસે તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એક વર્ષમાં 10 પીઆઈ ફરજ મુક્ત કરવામાં આવ્યા, જૂઓ યાદી

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button