સુરત: આધેડ વયના ઇસમે 4 વર્ષની બાળકી પર નજર બગાડી દુષ્કર્મ કરતા ચકચાર મચી
- સીસીટીવી ફૂટેજમાં એક આધેડ વયનો ઇસમ બાળકીને લઈ જતો જોવા મળ્યો
- સીસીટીવીને આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરાઇ
- પોલીસે આરોપીને દબોચી લઈ કડક પૂછપરછ હાથ ધરી છે
ગુજરાત રાજ્યમાં દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોર ઇસમે 4 વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતાં ચકચાર મચી જવા પામી છે.
સીસીટીવીને આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરાઇ
આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવીને આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો. ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી.
સીસીટીવી ફૂટેજમાં એક આધેડ વયનો ઇસમ બાળકીને લઈ જતો જોવા મળ્યો
ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી. જેમાં પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કડોદરા પોલીસ અને એલસીબીએ સંયુક્ત તપાસ આદરી આસપાસ વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક આધેડ વયનો ઇસમ બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ કડક પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરા નજીક કામરોલ ગામે મહિલાને વિશ્વામિત્રી નદીમાં મગર ખેંચી ગયો